અત્યારે બાળકોને કિટી પાર્ટીમાં લઈ જવાનો સમય નથીઃ સિવિલ સુપ્રિડેન્ટેન્ડ ડો. રાકેશ જોષી
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યાં છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. શહેરમાં કોરોના સંક્રમિત થનારા બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં NICU, PICU અને વેન્ટિલેટર બેડ તૈયાર રાખવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે કરવામા આવેલી વ્યવસ્થા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે હાલ સિવિલ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત બાળકનો કેસ આવ્યો નથી પણ બાળકો સંક્રમિત થઇ શકે છે તેવી શક્યતાના આધારે અમે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યાં છે. આ સમય બાળકોને સાચવવાનો છે બાળકોને કીટી પાર્ટીમા લઇ જવાનો નથી. બાળકોની આસપાસ રહેતા લોકો જો વેક્સિનેટેડ હશે તો બાળકો સંક્રમિત થવાનો ચાન્સ ઓછો છે.
રસી ન લેનારા બે બાયપેપ, એક ડોઝ લેનારો દર્દી વેન્ટિલેટર પર
શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રવિવારે સિવિલમાં 4 નવા દર્દી તેમજ સોલા સિવિલમાં 2 નવા દર્દી દાખલ થયાં છે. જયારે આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલમાં પણ નવા 4 દર્દી દાખલ થયાં છે. પરંતુ, મહત્વની વાત એ છે કે, સિવિલની 1200 બેડમાં દાખલ બે દર્દી બાયપેપ પર છે, જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, જયારે એક ડોઝ લેનાર વ્યકિત વેન્ટિલેટર માસ્ક પર છે. જેથી વેક્સિનના એક પણ ડોઝ ન લીધા હોય તેવાં લોકોએ વિશેષ તકેદારી રાખવાનું ડોકટરો જણાવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ જણાવે છે કે, 1200 બેડ હોસ્પિટલમાં રવિવારે કોરોનાના નવા 4 દર્દી સાથે કુલ 17 દર્દી દાખલ છે, જેમાં ઓમિક્રોનના એક દર્દીનો સમાવેશ થાય છે.
સિવિલના 1 ડૉક્ટરને ચેપ, અત્યાર સુધી 29 ડૉક્ટરો, હેલ્થ વર્કર્સ સંક્રમિત થયા
રવિવારે સિવિલ અને સોલા સિવિલમાં દર્દીની સારવાર કરતાં ડોકટર્સની સાથે ફ્રન્ટ લાઇન વર્કર્સ પણ મળીને વધુ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. પોઝિટિવ આવેલાં 29 લોકોમાં 18 ડોક્ટર્સ અને 11 ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. જો કે, તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના એક સિનિયર ડોકટર સાથે સિવિલમાં કોરોના પોઝિટિવ ડોકટર્સનો આંકડો વધીને 15 અને સોલા સિવિલમાં 3 ડોકટર સાથે કુલ 18 ડોકટર્સ તેમજ 4 નર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સોલા સિવિલમાં 3 ડોકટર અને 4 હોસ્પિટલ સ્ટાફ મળીને કુલ 7 લોકો કોરોના સંક્રમિત થયા છે.
IIM કેમ્પસમાં 9 દિવસમાં કોરોનાના 805 ટેસ્ટ કરવામાં આવ્યા, 54 પોઝિટિવ
આઇઆઇએમ કેમ્પસમાં 1 થી 9 જાન્યયુઆરી દરમિયાન 805 લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 54 લોકો પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા લોકોમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 કમ્યુનિટી મેમ્બરનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવેલા ફેકલ્ટીમાં 1 ફેકલ્ટી કેમ્પસમાં જ્યારે કે અન્ય 5 ફેકલ્ટી કેમ્પસ બહાર ક્વોરન્ટાઇનમાં છે.