અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલીવાર હોસ્પિટલના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટે બીયુ પરમિશનની માગણી કરવામાં આવી છે. શહેરમાં ૫૦ ટકા બિલ્ડિંગો બીયુ પરમિશન વગરનાં છે. સી ફોર્મના કાયદામાં થોડી છૂટછાટ આપવામાં આવે. સી ફોર્મના નવા નિયમોને કારણે ૫૦૦ જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે. આજે આ સી ફોર્મના નિયમોમાં ફેરફાર લાવવા માટે વલ્લભ સદન પાસે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધપ્રદર્શન કર્યું છે અને ઓપીડી બંધ હોવાને કારણે દર્દીઓને પડતી તકલીફ માટે અમે માફી માગીએ છીએ. બીયુ માટેના કાયદાઓ સ્થળ પરની પરિસ્થિતિને સુસંગત ના હોવાથી મોટા ભાગની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સને બીયુ લેવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાંક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અન્ય લોકો તૈયાર ન હોવાથી પણ બીયુ પરમિશન લેવી અઘરી પડી રહી છે. દર્દી તેમજ સામાન્ય લોકો માટે આગ સામેની સલામતી માટે જરૂરી સિસ્ટમ તમામ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સમાં ઉપલબ્ધ છે. ફાયર એનઓસી મેળવવામાં આવી છે. આ બાબત અંગે કોઈ જાતની બાંધછોડ ન કરવા અમે પ્રતિબદ્ધ છીએ, એવું એએચએનએ સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું.
સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામા આવે છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે.જેમાં અત્યાર સુધી સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે. સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં.
જેથી જાે આ નિયમ લાગુ કરવામાં આવે તો ૫૦૦થી વધુ હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ-નર્સિંગ હોમને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ-૧૯૪૯ની કલમ પાંચ હેઠળ નોંધણી કર્યા બાદ સી ફોર્મ ઈશ્યૂ કરાય છે. મ્યુનિ. એ જે તે સમયે આપેલી નોટિસમાં ૪૨ હોસ્પિટલ-નર્સિંગ હોમના સી ફોર્મ રદ્દ કરવા ર્નિણય કર્યો હતો.અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ સાથે સંકળાયેલા ખાનગી હોસ્પિટલોના ડોકટરોએ ફોર્મ ‘સી’ રજિસ્ટ્રેશનના રિન્યુઅલના તેમજ બીયુ પરમિશનના પ્રશ્નને લઈને આજે સવારે રેલી યોજી હતી. આશ્રમ રોડ પર વલ્લભ સદન ખાતે બેનરો દર્શાવી વિરોધ કર્યો હતો.
આ વિરોધપ્રદર્શનમાં શહેરની ખાનગી હોસ્પિટલોના ૨૦૦થી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ જાેડાયો હતો. ડોકટરોએ વિરોધને પગલે સવારે ૯થી ૧૧ સુધીની ઓપીડી બંધ રાખી છે. જાેકે સાંજની ઓપીડી રાબેતા મુજબ જ ચાલુ છે. ડોક્ટરોએ સી ફોર્મમાં નિયમોમાં સુધારા અંગે વિરોધ કરી મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને આવેદનપત્ર આપવામાં માટે રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. પરંતુ કમિશનર શહેરમાં રાઉન્ડમાં નીકળ્યા હોવાથી તેઓને મળ્યા ન હતા.