ચાંદખેડામાં બે સંતાનોની માતાએ પતિના ત્રાસના કારણે ગળે ફાંસા ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘરના નાના નાના કામકાજમાં પરિણીતાને તેનો પતિ ગાળો બોલતો અને માર મારતો હતો. આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોધાયો હતો.
ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના રંકેડી ગામે રામસાગર કુંભાર પરિવાર સાથે રહે છે. રામસાગરને ત્રણ ભાઇ અને બે બહેન પણ છે. નાની બહેનના લગ્ન આઠ વર્ષ પહેલા સમાજના રિત રિવાજ મુજબ અમદાવાદ ચાંદલોડિયા ગાયત્રીનગરમાં રહેતા સંજય પ્રજાપતિ સાથે થયા હતા. તેમને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં દોઢ વર્ષની દીકરી અને 6 મહિનાનો દિકરો છે. પરિણીતા છ મહિના પહેલા બાળકની ડિલીવરી વખતે ઉત્તરપ્રદેશ આવી હતી. પરિણીતા કહેતી કે, સંજય ઘરકામ બાબતે અવાર નવાર ઝઘડો કરતા અને શારિરીક માનસિક ત્રાસ આપતા હતા.
12 માર્ચના રોજ સંજયએ પરિણીતાના ભાઇને કોલ કરી જણાવ્યુ હતુ કે, તારી બહેન મારી સાથે ઝઘડો કરે તેને સમજાવ નહીં તો સારુ નહી થાય. જેથી રામસાગરીની પત્નીએ સંજય સાથે વાત કરી અને જણાવ્યું કે, સવારે હું પરિણીતા સાથે વાત કરી સમજાવીશ. પરિણીતાએ જણાવ્યું હતું કે, સંજય નાની વાતે ઝઘડો કરી ગંદી ગાળો બોલે છે અને મારજુડ કરે છે. 13 માર્ચના રોજ સવારે કોલ આવ્યો કે, પરિણીતા મરણ ગઇ છે. ગળે ફાંસો ખાઇ લીધેલા ફોટા પણ રામસાગરના ભાઇને મોકલી આપ્યા હતા. આમ સંજયના ત્રાસના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હતો. આ અંગે સોલા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધી હતી.
Source – Divya Bhaskar