ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો
- રૂનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાની નથી
- આગ લાગવાનું કારણ હજી અકબંધ છે
અમદાવાદમાં પીરાણા પીપળજ રોડ પર સ્થિત રૂના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ હતી. હાલમાં આગ કાબુમાં આવી જતાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.
રૂનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ મોડી રાત્રે કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની 8 ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત કરી અને આગને કાબૂમાં લીધી હતી. રૂનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ચારેક દિવસ પહેલાં જ દહેગામ રોડ પરથી ઝાક GIDCમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી
ચાર દિવસ અગાઉ ઝાક GIDCમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં આગ લાગી હતી
16 જાન્યુઆરીએ દહેગામ પાસે ઝાક GIDCમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં 13 જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકમાં આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. લાકડાંનું ગોડાઉન હોવાથી દરવાજા સહિતનો માલસામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો. બે લાખ લિટર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાઈ હતી.
અમદાવાદના ઘુમામાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી
બે દિવસ પહેલાં અમદાવાદમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી
અમદાવાદના ઘુમા પાસે બે દિવસ પહેલાં મોડી રાતે એમ્બ્યુલન્સ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવમાં હાલ કોઇ જાનહાનિ થઇ નહીં હોવાની વિગત સામે આવી હતી.આગ એટલી ભયંકર હતી કે આસપાસના લોકો દોડીને બહાર આવી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. ઘણી જહેમત બાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ ભેગા મળી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.