રાજ્યમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સાંજે રિવરફ્રન્ટના બંને છેડે આવેલા લોઅર પ્રોમિનાડ પાણીમાં ડૂબી ગયા હતા. સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં લોકો નવા આવેલા પાણીને જોવા માટે ઊમટી પડ્યા હતા. વર્ષ 2017 બાદ નદીમાં રિવરફ્રન્ટ વોક-વે પાણીમાં ગરકાવ થયા છે. આજે સાબરમતી નદીનો જે નજારો છે એ પાંચ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.
નદીમાં છોડવામાં આવેલા ધસમસતા પાણીને કારણે કેશવનગર પાસે રેલવે બ્રિજને અડીને બની રહેલા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પર માઠી અસર પડી હતી.અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સાબરમતી સુધી દોડવાની છે.
બ્રિજ બનાવવા માટે સાબરમતી નદીમાં માટી પાથરી દેવામાં આવી હતી. માટી પુરાણ કરી પિલર ઊભાં કરવા જમીનના ટેસ્ટિંગની કામગીરી અડધાથી વધુ પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાબરમતી નદીમાં ઉપરવાસથી પાણી છોડવામાં આવતાં બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવેલો ભાગ તૂટી ગયો હતો. બુલેટ ટ્રેનની કામગીરી માટેનાં બેરિકેડ્સ પણ નદીમાં વહી ગયાં હતાં.6 મહિના પહેલા શરૂ કરેલું કામ ધોવાઈ ગયું.