આરોપીઓ અમદાવાદ,કેરળ,મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. આ કેસના 49 દોષિતને સ્પેશિયલ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઘટનાના આરોપીઓને કોર્ટમાં ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન દેશમાં અલગ અલગ આઠ જેલોમાં રાખવામાં આવ્યાં હતાં. અમદાવાદ, કેરળ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રાખવામાં આવ્યાં હતાં. ચુકાદા બાદ કોર્ટે વર્ચ્યુઅલી જ આરોપીઓને સાંભળ્યા હતાં.
સુનાવણીમાં આરોપીઓને વર્ચ્યુઅલી હાજર કરાયા
ચુકાદાની સુનાવણીમાં આરોપીઓના વકીલોએ દલીલ કરી હતી કે, સજા ઓછી થાય તે માટે આરોપીઓને સુધારાનો અવકાશ આપો. કોર્ટે સજા કરતાં પહેલાં આરોપીઓની સામાજિક અને પારિવારિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઈએ. જેલ ડિસિપ્લિન એ મહત્તમ સજા માટેનું પાસું ના હોઈ શકે, પણ લઘુતમ સજા માટે કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે સરકાર તરફથી એવી દલીલ કરાઈ હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે, જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો.વાલ્મીકિઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય, સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગકાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાનમાં લેવી જોઈએ.
બચાવ પક્ષના વકીલ ડાબેથી એમ. એમ. શેખ તથા જમણે ખાલિદ શેખ
અસીલ કહેશે તો હાઇકોર્ટમાં જઇશું: દોષિતોના વકીલ
આરોપીઓના વકીલ ખાલિદ શેખે જણાવ્યું હતું કે, કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાનો અભ્યાસ કરીને જો અમારા અસીલ અમને કહેશે તો હાઈકોર્ટમાં અપીલ કરીશું. અમને એવી આશા હતી કે ઓછા લોકોને સજા થશે. આરોપીઓના બીજા વકીલ એમ. એમ. શેખે જણાવ્યું હતું કે, આ કેસમાં લાંબા સમય સુધી ટ્રાયલ ચાલી છે. અમે તમામ પ્રયત્નો કર્યાં હતાં. હવે ચુકાદાનો અભ્યાસ કરીને આગળ જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરીશું.
દોષિતોને 2.85 લાખનો દંડ, મૃતકના પરિવારજનોને રૂ.1 લાખનું વળતર
કોર્ટે એક સિવાય તમામ દોષિતોને 2.85 લાખનો દંડ ફટકાર્યો અને આરોપી નંબર 07 ને 2.88 લાખનો દંડ કર્યો છે. આ દંડની રકમમાંથી મૃતકોને 1 લાખ રૂપિયાનું વળતર, ઇજાગ્રસ્તને 50 હાજર વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને 25 હજારનું વળતર ચૂકવવા આદેશ કરાયો છે.