ટ્રકમાંથી ઝડપાયેલ દારૂ
- હાઈવે પર ઢાબાના પાર્કિંગમાં શંકાસ્પદ ટ્રકની અંદરથી દારૂ મળ્યો
રાજ્યમાં કડક દારુબંધી છતાં બૂટલેગરો બેફામ બનીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા હાંસલપુર ત્રણ રસ્તા નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 22 હજારથી વધુ બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટ્રક સાથે રૂ.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જોકે ખાસ વાત એ છે કે સ્થળ પર ટ્રક ચાલક જ નહોતો જેથી પોલીસે ટ્રકના નંબરથી ચાલક વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના હાંસલપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન સિલપુર ત્રણ રસ્તા નજીક એક ઢાબા પર પાર્કીંગમાં શંકાસ્પદ હાલતમાં ટ્રક પડેલી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસ દ્વારા બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી. ટ્રક તાડપત્રીથી ઢાંકેલી હતી, જેથી તેની અંદર તપાસ કરતા મગફળીની પ્લાસ્કિટની થેલીઓની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂના બોક્સનો જથ્થો મળી આવ્યો હતો.
આ બોક્સની અંદર રૂ.56 લાખની કિંમતની 22,468 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે સ્થળ પર ટ્રક ચાલક હાજર ન હોવાથી પોલીસે ટ્રકના નંબરના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.