ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો, પોશીના પાસેના ગામોમાં છાંટા, અચાનક વાદળો છવાતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યો
અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ તેમજ ટ્રફ લાઇનના કારણે બુધવારે ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ બંધાયું હતું. 35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ધૂળીયું બન્યું હતું. સાંજના સમયે સાબરકાંઠાના પોશીના વિસ્તારોમાં કમોસમી વરસાદનું હળવું ઝાપટ્યું વરસ્યું હતું.પોશીના વિસ્તારમાં દિવસભર ભારે ગરમી બાદ બુધવારે માંડી સાજે વાતાવરણમાં પલટો આવતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. ખણીઘાટી, અજાવાસ, ઝીઝણાટ, બારા બેડી જેવા ગામોમાં વરસાદી છાંટા પડ્યા હતા જેથી ગરમીમાં લોકોને રાહત મળી હતી. ઉત્તર ગુજરાતમાં બુધવાર સવારથી જ આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું.સાંજ સુધીમાં ચોમાસા જેવું વાતાવરણ બંધાયું હતું. મોડી સાંજે 35 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાતાવરણ ધૂળીયુ બન્યું હતું. જ્યારે ભારે પવનથી રસ્તા અને ઇમારતો પર લગાવેલા હોડિંગ્સ ફાટીને જોખમી રીતે ઝુલતા જોવા મળ્યા હતા. હાઇવે પરના બેરીકેટ પણ ઉડીને આડા પડ્યા હતા.
પવનના કારણે રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વાતાવરણની આ સ્થિતિને લઇ ખેડૂતો ખેતરોમાં પાકને બચવવા દોડતાં થયા હતા. બીજી બાજુ પલટાયેલા વાતાવરણના કારણે ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોનું તાપમાન 37.9 થી 39 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. પરંતુ તાપમાન ઘટવા છતાં હવામાં ભેજનું પ્રમાણ 35 થી 60 ટકાની વચ્ચે રહેવાથી અસહ્ય ઉકળાટનો કહેર અનુભવયો હતો.અરવલ્લી જિલ્લામાં તારીખ 20 21 બે દિવસ છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે જિલ્લાના મોડાસા અને આસપાસના વિસ્તારમાં સાંજના સમયે એકાએક આકાશમાં વરસાદી વાદળો ગોરંભાયા હતા અને પવન ફૂંકાવા નું શરૂ થયું હતું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બે દિવસ ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત કરવા અપીલ કરાઇ હતી.
અરવલ્લી જિલ્લામાં બે દિવસ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ હતી.જેના પગલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશમાં વરસાદી વાદળો ઘેરાવા શરૂ થયા હતા પરિણામે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા. સાંજના સમયે એકાએક પવન ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઊડવાની શરૂ થઈ હતી બીજી બાજુ એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોએ ઘરની બહાર પડી રહેલા ઘઉંના પાકને બચાવવા માટે મથામણ શરૂ કરી હતી.જોકે સાવચેતીના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મોડેમોડે ખેડૂતોએ પાક સુરક્ષિત કરવા અને સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો.
જિલ્લામાં અત્યારે મોડાસા માલપુર બાયડ પંથકમાં દસ હજાર હેકટર કરતાં વધુ જમીનમાં પાકીને તૈયાર થયેલો મકાઈનો પાક ખેડૂતો કાપણી કરીને ઘર ભેગો કરવા માટે મથામણ કરી રહ્યા હતા ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો લાચાર દેખાયા હતા.સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી મુજબ જ બુધવારે બપોર બાદ જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વાદળો છવાતા સીધા સૂર્યપ્રકાશની ગરમીમાં આંશિક રાહતનો અનુભવ થયો હતો. પરંતુ ઉકળાટને કારણે લોકો પરસેવે રેબજેબ થયા હતા. હવામાન વિભાગ દ્વારા 24 એપ્રિલથી મહિનાના અંત સુધી મહત્તમ તાપમાનમાં 3થી 4 ડીગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
આગહી : આજે કમોસમી વરસાદ નહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે સિસ્ટમ નબળી પડતાં ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહી શકે છે. પરંતુ કમોસમી વરસાદની શક્યતા ના બરાબર રહેશે. તેમ છતાં ગરમીમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે.
Source – divya bhaskar