8.2 ડિગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડુ શહેર બન્યું
નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી શિયાળાની ગાત્રો થીજાવતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ બન્યા બાદ ફરી એકવાર શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત રાજ્યના અંદાજે 10થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી પણ નીચે આવી ગયો હતો.અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 7.1 ડિગ્રીએ પહોંચી જતાં લોકો ગાત્રો થીજવતી ઠંડીમાં તોબાહ પોકારી ઉઠયા હતા.આગામી 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે.
આજે આ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભાવનગર, જુનાગઢ, અમરેલી અને કચ્છના વિસ્તારમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે.હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, નલીયા, રાજકોટ, કેશોદ, કંડલા એરપોર્ટ અને મહુવામા લઘુત્તમ તાપમાનના પોરો 10 ડિગ્રીથી નીચે આવી ગયો હતો. આ સિવાય ભુજ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે કચ્છનુ નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી અને ગિરનાર પર 2 ડિગ્રી નોંધાયું છે.
યલો એલર્ટને પગલે હવામાન વિભાગે ચેતવણી આપી
હવામાન વિભાગે સતત બે અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.
હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પુરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
8.2 ડિગ્રી સાથે પાટણ ઉ.ગુ.નું સૌથી ઠંડુ શહેર
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી હાડ થિજાવતી ઠંડી અનુભવાઇ રહી છે. સોમવારે પણ લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી ઘટ્યું હતું. સતત બીજા દિવસે 10 ડિગ્રીથી નીચા તાપમાનને લઇ વાતવરણ ઠંડુગાર બન્યું છે. ઉત્તર ગુજરાતમાં સોમવારે ઠંડી 1 ડિગ્રી સુધી ઘટતાં 8.2 ડિગ્રી સાથે પાટણ સૌથી ઠંડુ રહ્યું હતું. બીજી બાજુ દિવસનું તાપમાન ત્રણેક ડિગ્રી વધ્યું હતું. જોકે, 26 ડિગ્રીની નીચા તાપમાનના કારણે બપોરના સમયે પણ વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે બનાસકાંઠામાં શીતલહેર ફૂંકાશે. તેમજ મુખ્ય 5 શહેરોમાં દિવસ-રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ જોવા મળી શકે છે.