આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે અમદાવાદ બ્લાસ્ટના દોષિત આરોપીઓ પોતાનો બચાવ પક્ષ રજૂ કરશે 2) આજથી સુરત એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ ફોર્સ સંભાળશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ત્રાસવાદી કૃત્ય બદલ દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત ઠેરવાયા, 1 તાજના સાક્ષીની સજા માફ-29 આરોપીને નિર્દોષ છોડાયા
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો છે, જેમાં 54નાં મોત થયાં હતાં અને 200થી વધુને ઈજા થઈ હતી. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
2) રાજ્યમાં 10 દિવસ બાદ દૈનિક કેસ 12 હજારથી ઘટીને 2500 થયાં, 28 દર્દીનાં મોત, 7487 રિકવર
ગુજરાતમાં સતત 6 દિવસથી કોરોનાના નવા કેસ ઘટાડો થઈ રહ્યો છે. 10 દિવસ બાદ રાજ્યમાં કેસ 12 હજારથી ઘટીને 2500 થઈ ગયા છેય રાજ્યમાં 24 કલાકમાં 2502 નવા કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીના મોત થયા છે. આજે 7487 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 96.32 ટકા થઈ ગયો છે. રાજ્યમાં સતત નવ દિવસથી નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. તેમજ વેન્ટિલેટર પરના199 દર્દી થઈ ગયા છે. અગાઉ 5 ફેબ્રુઆરી સુધી સતત 9 દિવસ 30થી વધારે દર્દીના મોત નોંધાતા હતા.
3) સુરતમાં જાહેરમાં લઘુશંકા માટે ઠપકો આપનાર યુવકની હત્યા, માતાને 10 મિનિટમાં આવું કહીને ગયેલા પુત્રની 30 મિનિટ બાદ હત્યા થયાની જાણ થઈ
સુરતના રાંદેરમાં જાહેરમાં લઘુશંકા કરનારને યુવકે ઠપકો આપતા તેની અદાવતમાં ચાર લોકોએ રેમ્બો છરો મારી હત્યા કરી હતી. બે દિવસ પહેલાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યુવકને ક્રુરતાપૂર્વક ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, નોકરી પરથી આવ્યા બાદ ઘરેથી વિધવા માતા પાસે 50 રૂપિયા લઈને નીકળેલો રવિ 10 મિનિટમાં આવું છું કહીને ગયો હતો અને 30 મિનિટમાં પુત્રની હત્યા થઈ હોવાની જાણ થઈ હતી.
4) વડોદરામાં ખુલ્લી જમીનમાં દબાણ કરનાર હોટલ-માલિકે ડેપ્યુટી મેયર પર ગેસ-સિલિન્ડર ફેંક્યું, ગળા પર ચાકુ મૂકીને આપઘાતની ધમકી આપી
વડોદરા શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે રાણા સમાજની જમીન પર ગેરકાયદે ચાલતી હોટલની મુલાકાતે ગયેલા ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સામે માથાભારે હોટલ-માલિકે ગેસ-સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો. આ ઉપરાંત માથાભારે શખસે ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલી ચાકુ બતાવી આપઘાત કરી લેવાની ચીમકી ઉચ્ચારી પોતાની હોટલને તોડતા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હોદ્દેદારોએ નમતું જોખવાને બદલે તાત્કાલિક દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી દબાણો દૂર કરાવ્યાં હતાં.
5) હું બોમ્બબ્લાસ્ટમાં ઘાયલ દર્દીઓને સેવા આપવા સિવિલ ગયો ને ત્યાં જ બ્લાસ્ટ થયો, મારા પગમાં લોખંડનું એન્ગલ આરપાર થઈ ગયુંઃ BJP નેતા
26 જુલાઈ 2008નો એ દિવસ અમદાવાદ માટે ગોઝારો સાબિત થયો હતો. આ દિવસે શહેરમાં 70 મિનિટમાં 20 જગ્યાએ કરાયેલા 21 બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા અને બનાવના સાક્ષીઓ હજુ આ દિવસને ભૂલી શક્યા નથી. કોઈએ પોતાની આંખ સામે જ પોતાના સ્વજનને ગુમાવ્યા તો કોઈએ પોતાના સ્વજનને ગંભીર રીતે ઘાયલ થતાં જોયાં હતાં. આજે 14 વર્ષ બાદ આ ઘટનાનો ચુકાદો આવ્યો, જેમાં 49 આરોપી દોષિત સાબિત થયા અને 28 આરોપીને શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામા આવ્યા છે. ત્યારે બ્લાસ્ટ થયો એ દિવસે સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત થયેલા ભાજપના નેતા તથા એલજી હોસ્પિટલ પાસે દુકાનો ધરાવતા કેટલાક લોકો સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી.
6) 3 દિવસ બાદ હાજર થયેલા રાજકોટ CPએ કહ્યું: તપાસ ચાલે છે, એટલે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું, ઉચ્ચ અધિકારીને બ્રીફ કર્યા છે
રાજકોટ અને ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી બહુ ગાજેલા MLA ગોવિંદ પટેલના લેટરબોંબકાંડ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અદૃશ્ય થઈ ગયા હતા, જેઓ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર થયા હતા અને પત્રકાર પરિષદ યોજી મીડિયાને જણાવ્યું હતું કે મારા વિરુદ્ધ તપાસ ચાલે છે, એટલે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું. આ અંગે ઉચ્ચ અધિકારીને બ્રીફ કર્યા છે.
7) અરૂણાચલ પ્રદેશમાં બરફના તોફાનની ઝપટમાં આવી ગયેલા સેનાના 7 જવાન શહીદ, બે દિવસથી બચાવ અભિયાન ચાલી રહ્યું હતું
અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરના ઉંચાઈવાળા વિસ્તારમાં હિમસ્ખલનમાં ફસાયેલા ભારતીય સેનાના 7 જવાન શહીદ થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહીદ 7 જવાનોના મૃતદેહ હિમસ્ખલન ધરાવતા વિસ્તારમાંથી મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સેનાની એક ટૂકડી રવિવારે સર્જાયેલા હિમસ્ખલનમાં ફસાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી. આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે ખાસ ટીમોને એરલિફ્ટ કરવામાં આવી હતી.
8) કર્ણાટકમાં હિજાબ વિવાદ ઘેરો બન્યો;કોલેજમાં તિરંગાની જગ્યાએ ભગવો લહેરાવ્યો, વિવાદ વધતા રાજ્ય સરકારે 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા આદેશ કર્યો
કર્ણાટકમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાના વિવાદ દરમિયાન એક વધુ વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એમાં કર્ણાટકના શિમોગામાં એક કોલેજમાં એક છોકરો પોલ પર ચડીને તિરંગાને સાઈડમાં રાખીને ભગવો ઝંડો લહેરાવતો દેખાય છે. કથિત રીતે વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજને હટાવીને ત્યાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
9) અદાણી ગ્રુપની સાતમી કંપનીનું લિસ્ટિંગ થયું, મુકેશ અંબાણીથી ગૌતમ અદાણી 21 હજાર કરોડ આગળ, અદાણી એશિયાના સૌથી અમીર બિઝનેસમેન
ગૌતમ અદાણીની સાતમી કંપની આજે શેરબજારમાં લિસ્ટ થઈ છે. અદાણી વિલ્મરનો શેર આજે ઇસ્યુ 230 કિંમતની સરખામણીમાં રૂ. 221ના નજીવા ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો, પણ ભારે લેવાલીને પગલે છેલ્લે 16.63 ટકાના વધારાએ 268.25 બંધ રહ્યો હતો. આ સાથે અદાણી ગ્રુપની કુલ કંપનીઓનું માર્કેટ કેપ હવે વધીને 11.46 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ પછી ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણી કરતાં 21,000 કરોડ રૂપિયાથી આગળ છે. અંબાણીની સંપત્તિ 6.66 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે અદાણીની સંપત્તિ 6.87 લાખ કરોડ રૂપિયા છે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને લઈને ગુજરાતની ATSની ટીમ પોરબંદર પહોંચી
2) ગુજરાતે કોરોનાની રસીના 10 કરોડ ડોઝની સિદ્ધિ મેળવી, રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો
3) AMCનું સુધારા સાથેનું રૂ.8807 કરોડનું બજેટ રજૂ, અમદાવાદના 70 ચોરસમીટરની રહેણાંક મિલકતોને ટેક્સમાં 25 ટકા રાહત અપાશે
4) ગુજરાતમાં IT એક્સપોર્ટને આગામી 5 વર્ષમાં 3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઈ જવાનો લક્ષ્ય, 1 લાખથી વધુને રોજગારી મળશે
5) ગાંધીનગરમાં પથારીવશ પતિને સાજો કરવા પત્નીએ તાંત્રિક વિધિ કરાવી, તાંત્રિકે સંતાનોને કેનેડા મોકલવાનું કહી 24.50 લાખ ખંખેર્યા
6) રાજ્યસભામાં PM મોદીએ કહ્યું-જેમણે દેશમાં ઇમર્જન્સી લાદી હતી તેઓ લોકશાહી પર ચર્ચા કરી રહ્યા છે; પરિવારવાદ ડેમોક્રેસી માટે સૌથી મોટો ખતરો છે
7) પાકિસ્તાની પ્રોપેગેંડામાં અટવાઈ ગ્લોબલ કંપનીઓ, KFCથી લઈને પિઝાહટએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાને સમર્થન આપ્યું, ભારતમાં બોયકોટની માંગ કરાઈ
આજનો ઈતિહાસ
વર્ષ 2008માં આજના દિવસે કુષ્ઠ રોગિયોના મસીહા બાબા આમટેએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ એક મહાન સામાજીક કાર્યકર્તા હતા અને સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો હતો.