ગાંધીનગરના માણસા તાલુકાના ઈટાદરા ગામે દંપતી વચ્ચે ઘણા સમયથી ચાલતાં ઘર કંકાસનાં કારણે પરિણીતાના પિતા – ભાઈએ સાસરીમાં જઈને લાકડી અને કોદાળી વડે જીવલેણ હુમલો કરી જમાઈ તેમજ તેની માતાને લોહી લુહાણ કરી દીધા હતા. આ જાેઈને પત્નીને પણ શૂરાતન ચઢતા તેણીએ પણ સાસુને દવાખાને લઈ જતાં પતિ ઉપર છુટ્ટી ઈંટો ફેંકીને કોઈ કસર બાકી રાખી ન હતી. આખરે પત્ની ઘરમાંથી દાગીના લઈને તેના ચાર – બે વર્ષના સંતાનોને તરછોડીને પિયર જતી રહેતા પતિની ફરિયાદના આધારે માણસા પોલીસે મારામારી અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો ર્છ માણસાનાં ઈટાદરા ગામે અશરફી નગરમાં રહેતા ૨૫ વર્ષીય મોસીન રસૂલમીયા બેલીમનાં લગ્ન વર્ષ ૨૦૧૭માં મહેસાણાનાં મહેરાજખાન પઠાણની દીકરી સાહીસતા સાથે થયા હતા. આ લગ્ન જીવનથી સંતાનમાં એક ચાર વર્ષની દીકરી અને બે વર્ષનો દિકરો છે. છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે ઘર કંકાસ ચાલતો હતો. જેથી કરીને ગઈકાલે બપોરના સમયે સસરા મહેરાજખાનનાં ફોન પરથી સાળાએ કહ્યું હતું કે તમારે શેના ડખા ચાલે છે જે ડખા હોય એ બંધ કરી દેજાે નહીં તો ત્યાં આવીને પગ ભાંગી નાખીશ.
મોસીન નોકરી પરથી ઘરે આવી ગયો હતો અને થોડી વારમાં તેના સસરા, સાળા હુસેન અને અરબાઝ બાઈક પર આવી પહોંચ્યા હતા અને હુસેન એકદમ લાકડી લઈને મોસીન અને તેના ભાઈ સરફરાજને મારવા લાકડી ઉગામી હતી. જેથી મોસીને સાળાને આવું કેમ કરે છે તેવી વાત કરતો હતો. જ્યારે તેની માતા બશીરનબીબી તેના સસરા સાથે વાત કરતી હતી. એટલામાં સસરા મહેરાજખાને ઘરમાં પડેલી કોદાળી લઈને જમાઈ મોસીન પર હૂમલો કર્યો હતો. જાેકે, બશીરનબીબી વચ્ચે પડતાં તેમના માથામાં કોદાળી વાગી હતી અને લોહી ધાર વહેવા લાગી હતી. ત્યારે ફરીવાર મહેરાજખાને કોદાળીનો ઘા કરતા મોસીને તેની માતાને ખેંચી લીધી હતી. જેનાં કારણે તેમનો જીવ બચી ગયો હતો. એટલામાં સાળો હુસેન લાકડી લઈને તૂટી પડ્યો હતો. બાદમાં માતાને માથામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવાથી મોસીન તેમને દવાખાને લઈ જતો હતો તેજ વખતે બીજા સાળા અરબાઝએ તેને પાછળથી પકડી લીધો હતો.
આ ઝગડો જાેઇને સાહીસતાને પણ શૂરાતન ચઢતા તે અને હુસેન છૂટી ઈંટો મારવા લાગ્યા હતા. જેમાથી એક ઈંટ મોઢાના ભાગે અને બીજી માથાના ભાગે વાગી હતી. બાદમાં જેમતેમ કરીને મોસીન અરબાઝની પકડમાંથી છૂટયો હતો. બાદમાં સરફરાજ તેની માતાને બાઈક પર દવાખાને લઈ ગયો હતો. આ ધિંગાણું થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સાહીસતા ઘરમાંથી દાગીના લઈને છૂટાછેડા આપવાના છે કહીને બંને સંતાનને મૂકીને પિતા અને ભાઈઓ સાથે પિયર રવાના થઈ ગઈ હતી. જ્યારે મોસીન બંને સંતાનોને સગાના ત્યાં મૂકી ઈજાગ્રસ્ત હાલતમાં દવાખાને ગયો હતો. જ્યાં તેની માતાને માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા. આ અંગે મોસીનની ફરિયાદના આધારે માણસા પોલીસે મારામારી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.