આબુથી વિદેશીદારૂનો જથ્થો લવાયો હતો – ૨ પકડાયા, ૫ વોન્ટેડ
મહેસાણા જિલ્લામાં સ્થાનિક પોલીસની ઉદાસીનતાના કારણે હવે જાણે ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા સ્ટેટ મોનીટરીંગ સેલે બીડુ ઝડપ્યું હોય તેમ લાગે છે. તાજેતરમાં મહેસાણા હાઈવે પરથી ગેરકાયદે શંકાસ્પદ બાયોડિઝલનો મોટા પ્રમાણમાં જયગોગા પંપ પરથી જથ્થો ઝડપી ૯ જેટલા શખ્સોની અટક કરી હતી. જ્યારે આજે કડીના ઈન્દ્રાડમાંથી રૂ. ૧૩.૭૭ લાખની કિંમતનો વિદેશીદારૂ ભરેલું ટ્રક ઝડપી બે શખ્સોની ધરપકડ કરી હતી.
ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આજે બાતમીના આધારે કડીના નંદાસણ પોલીસ મથકની હદમાં ઈન્દ્રાડ ગામ પાસે આવેલ કમલા અમૃત ઇન્ડિટેક પાર્ક, અરવિંદ ઈન્વીસોલના પ્લોટ નં. ૧૦૩ નજીક બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન આ સ્થળે ઉભેલી ટ્રકની તપાસ કરતાં તેના કન્ટેનરમાંથી રૂ. ૧૩,૭૭,૫૪૦ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન ટ્રકનો ચાલક અને ક્લીનર પૈકી અમજદખાન પઠાણ તેમજ પ્રકાશ રાણાની અટક કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ દરમિયાન રૂ. ૧૩,૭૭,૫૪૦ની કિંમતનો વિદેશીદારૂ, રૂ. ૧૦,૫૦૦ની કિંમતના ૩ મોબાઈલ, રૂ. ૧૨ લાખની કિંમતનું ટ્રક, રૂ. ૯,૯૬૦ રોકડ મળી કુલ રૂ. ૨૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનના આબુથી વિદેશીદારૂ ઘૂસાડવામાં સંડોવાયેલ અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કડીના નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.