ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કર્યુ
- ક્વિઝ, સ્લોગન, ગીત, વીડિયો બનાવવાની અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનું આયોજન
- “મારો મત એ મારૂ ભવિષ્ય છે- એક મતની તાકાત” વિષય પર સ્પર્ધા
- દરેક કેટેગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઈનામો આપવામાં આવશે
ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ-2022ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા માટે મારો મત મારૂં ભવિષ્ય – એક મતની તાકાત શરૂ કર્યો છે. “મારો મત એ મારું ભવિષ્ય છે એક મતની તાકાત” થીમ પર રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે.
ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે: સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી. દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામો તેમજ દરેક કેટેગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઈનામો આપવામાં આવશે.સ્પર્ધામા ભાગ લેવા માટે પ્રતિસ્પર્ધીએ સ્પર્ધાની વેબસાઈટ http://ecisveep.nic.in/contest/ પર ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે. સહભાગીએ વિગતો સાથે એન્ટ્રીઓ ઈમેઈલ કરવાની રહેશે. અરજી કરવા માગતા સ્પર્ધકોએ સ્પર્ધા અને શ્રેણીના નામનો ઈ-મેલના વિષયમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાનો રહેશે.
ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ સ્પર્ધાની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે. તમામ એન્ટ્રીઓ 15 માર્ચ, 2022 સુધીમાં વિગતો સાથે ID voter-contestseci.gov.in પર સબમિટ કરવાની રહેશે. અલગ-અલગ કેટેગરીની એન્ટ્રીઓનો નિર્ણય ભારતના ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી જ્યુરી દ્વારા કરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.