ડોક્ટરની સલાહને અવગણીને ઉપવાસ ચાલું રાખ્યા,જ્યૂસ પીવાની પણ પાડી ના.
બહુચર્ચીત હેડ ક્લાર્ક પેપરલીક કાંડ મામલે આમ આદમી પાર્ટી મક્કમતાથી લડત આપી રહી છે અને એનો વિરોધ દર્શાવવા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી ઉપવાસ આંદોલન ચલાવાય રહ્યું છે ત્યારે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ઉપવાસના છઠ્ઠા દિવસે મહેશ સવાણી બેભાન થતાં આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મહેશ સવાણીને સારવાર માટે લઈ ગયા હતા.
સારવાર દરમ્યાન ડોક્ટર્સે તેઓને જ્યૂસ પીવાની સલાહ આપી હતી પણ મહેશ સવાણીએ એ સલાહને અવગણીને જયૂસ પીવાની ના પાડી ઉપવાસ આંદોલન શરૂ રાખવાની તૈયારી બતાવી હતી.પેપરલીકકાંડ મામલે આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદાહરણરૂપ કાર્યવાહીની પણ ખાતરી આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે ગૌણસેવા પસંદગી મંડળના વડા અસિત વોરાના રાજીનામાની માગ સાથે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે અને ગુજરાત કોંગ્રેસના અમુક નેતાઓ પણ આ ઉપવાસ સ્થળની મુલાકાત લઈ ચુક્યા છે.