કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રિનોવેશનની કામગીરી કરવામાં આવશે

પાંજરાઓ બદલાવાશે અને ગેટ નંબર ૪ને મોટો કરાશે

0
380
પ્રાણીસંગ્રહાલયમાં રિનોવેશન

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય વર્ષ ૧૯૫૧માં બનાવવામાં આવ્યું હતું. પ્રાણીસંગ્રહાલયનાં પાંજરાં ખૂબ જ જૂનાં થઈ ગયાં હોવાથી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી પરમિશન લઈને અમદાવાદ એનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો હતો. માસ્ટર પ્લાન મુજબ પાંજરાંના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાની મંજૂરી આપવામાં આવી હતી. એને પગલે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં પ્રાણીસંગ્રહાલયના પાંજરાનું રિનોવેશન અને મેઈન્ટેનન્સની જાેગવાઈ કરવામાં આવી છે. પ્રાણીસંગ્રહાલયમાં પક્ષીઓના વિભાગમાં એમના માટે નવી એવરી બનાવવામાં આવશે. પ્રાણીસંગ્રહાલયમાં હાલમાં જે વાનરો માટે પાંજરાં છે એમાં થોડો બદલાવ લાવવામાં આવશે. એમાં વાનરોને બાયોલોજિકલ તરીકે અનુકૂળ હોય તેવાં નવાં મોટાં પાંજરાં બનાવવામાં આવશે તેમજ હરણ માટે પણ પાંજરાં બનાવવામાં આવશે.

બાળકોની રમત-ગમત માટે બનાવવામાં આવેલું રસાલા ગાર્ડન પ્રાણીસંગ્રહાલય હસ્તક જ આવે છે, જેથી આ ગાર્ડનમાં વધુ સારો વિકાસ થાય અને મોટી માત્રામાં લોકો આ ગાર્ડનની મુલાકાત લે એ માટે એનો મેઈન્ટેનન્સ અને વિકાસ કરવા માટેની કામગીરી કરાશે. પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓને કોઈ અગવડતા ન પડે એનું પણ ધ્યાન રાખવામાં આવશે, જેમાં પ્રાણીસંગ્રહાલયમાં ઠંડી, ગરમી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મેળવવા માટે શેલ્ટર બનાવવાનું આયોજન છે. ટિકિટ લેવા જાય ત્યારે તેમની સાથે આવેલા મુલાકાતીઓને બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ કાંકરિયા ખાતે મુલાકાત લેવા જાય એ માટે સામાન મૂકવા કાંકરિયા ગેટ નંબર ૪ને મોટો બનાવીને પ્રાણીસંગ્રહાલય પાર્કિંગ સ્ટેન્ડમાં કલોકરૂમ પણ બનાવવા બજેટમાં માગ કરાઈ છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલય કોરોના દરમિયાન બંધ રહ્યું હતું.

પહેલી અને બીજી લહેર બાદ ૧૫ જૂન ૨૦૨૧થી ૨૪ માર્ચ ૨૦૨૨ સુધીમાં પ્રાણીસંગ્રહાલય અને નોકટરલ ઝૂની ૨૨.૯૬ લાખ લોકોએ મુલાકાત લીધી છે, જેનાથી કાંકરિયા લેકફ્રન્ટને રૂ. પાંચ કરોડની આવક થઇ છે.પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એમાં અનેક પશુ-પક્ષીઓ લાવીને પાંજરામાં રાખવામાં આવે છે. ૧૯૫૧માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી ૭૧ વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાણીઓને તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે એવાં પાંજરાં બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્હી ખાતેથી પરમિશન લઈને એને બદલવાની કામગીરી વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં મુકાઈ છે. એમાં પ્રાણીસંગ્રહાલયમાં પાંજરાં બદલવાં, રસાલા ગાર્ડનનો વિકાસ, મુલાકાતીઓ માટે બેઠક વ્યવસ્થા અને કલોક રૂમ બનાવવા માટે રૂ. ૧ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here