- ઠંડીની સાથે કોરોનાની ત્રીજી લહેર પણ ફરી ઉત્તરાયણની ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે
આજે ઉત્તરાયણ છે. ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાના કારણે ઉત્તરાયણની મજા ફીક્કી પડી ગઈ હતી. ત્યારે ડિસેમ્બરમાં કેસની સંખ્યા ઘટના પતંગરસિયામાં આ વર્ષે ધૂમધામથી ઉત્તરાયણ મનાવવાનો પ્લાન કરી રહ્યા હતા પરંતુ કોરોનાની ત્રીજી લહેર ફરી ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા છે. જોકે ઠંડી ઓછી થતા ફરી લોકોમાં ઉત્સાહ જોવા મળશે. તો બીજીતરફ ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.
9.30એ મુખ્યમંત્રી જગન્નાથ મંદિરે જશે
મકરસંક્રાંતિના આજના પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે સવારે 9.30 કલાકે દર્શન માટે જશે. ત્યારબાદ વિવિધ સેવા વસ્તી તેમજ પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાતે પણ જવાના છે.
રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડીની આગાહી
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અને કાલે ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓની સવારના સમયમાં મજા બગડી શકે છે. જોકે આજે પવનની ગતિ સારી રહેવાથી પતંગ રસિયાઓની મજા બગડશે નહીં. આજે 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, લોકોમાં ભારે રોષ
કોરોનાની ત્રીજી લહેર ખુબ જ ઝડપથી વધી રહી છે. દરરોજ 11 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા ઉપર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.