લગ્નમાં અમુક વાર વરપક્ષ દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હોય છે. દહેજ ના આપવાને કારણે ઘણીવાર ઝઘડા પણ થાય છે. પરંતુ દેશમાં એક અનોખું ગામ છે. કાશ્મીરમાં એક ગામ એવું પણ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ ગામનું નામ બાબા વાઇલ છે. આ ગામ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલું છે. શ્રીનગરથી ૩૫ કિમી દૂર આવેલા આ ગામમાં છેલ્લા ૧૭ વર્ષથી લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવી રહ્યા છે.૧૦૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ ૨૦૦ ઘર છે. અહીં રહેતા નઈમ અહેમદ શાહ અને તેના ભાઈના લગભગ ૬ મહિના પહેલા લગ્ન થયા હતા. આ લગ્નમાં કુલ ૧૦ હજાર રૂપિયાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે. ૨૮ વર્ષીય નઈમ કહે છે કે અમારા ગામમાં દહેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
એક દસ્તાવેજ પર સહી કરીને ગામના ૧૦૦ પરિવારોએ પ્રતિજ્ઞા લીધી કે ન તો દહેજ આપશે અને ન દહેજ લેશે. પોતાના લગ્ન વિશે જણાવતા નઈમ કહે છે કે, મેં દુલ્હનને ૨૬૦૦ રૂપિયા અને લગ્ન કરનાર ઈમામને ૧ હજાર રૂપિયા આપ્યા હતા. ભાઈના લગ્ન પણ આ રીતે કરવામાં આવ્યા હતા. લગ્નમાં કુલ ૧૦ હજાર રૂપિયાથી ઓછો ખર્ચ થયો હતો. નઇમ કહે છે કે અમારું ગામ એક પરિવારની જેમ રહે છે. જાે કે દહેજ ન લેવાનો અને સાદગીથી લગ્ન કરવાનો રિવાજ જૂનો છે, પરંતુ સત્તાવાર રીતે આ ઠરાવ ૨૦૧૮માં શરૂ થયો હતો. જ્યારે ગામના વડીલોએ ભેગા મળીને એક દસ્તાવેજ પર સહી કરી હતી. દસ્તાવેજ અનુસાર, જાે કોઈ પરિવાર આ નિયમનો ભંગ કરે છે. તો તેના પરિવારનો બહિષ્કાર કરી દેવામાં આવશે. તેમને સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી નથી અને માતમમાં પણ ભાગ લેવાની પણ મંજૂરી નથી. નઈમ કહે છે કે, અહીંના ૭થી ૮ ટકા લોકોએ ગામની બહાર લગ્ન પણ કર્યા છે, પરંતુ તેમણે પણ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો નથી.
૨૦૨૧માં પણ લગભગ ૧૬ લગ્નો અત્યંત સાદગીથી થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં દહેજ ન લેવાની પરંપરા લગભગ ૪૦ વર્ષથી ચાલી આવે છે.બશીર કહે છે કે આ બધું યુવાનોના કારણે જ શક્ય બન્યું છે. અમને તેમના પર ગર્વ છે. છેલ્લા ૧૭ થી ૧૮ વર્ષમાં એક પણ એવો કિસ્સો સામે આવ્યો નથી કે જ્યારે કોઈએ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો હોય. ગામમાં સૌ ખુશ છે. તે જ ગામના રહેવાસી ૩૦ વર્ષીય સૈયદ જાવિદ કહે છે, “મારા લગ્ન ૨૦૧૫માં થયા હતા. લગ્નનો તમામ ખર્ચ મેં સાસરિયાં વતી ઉઠાવ્યો હતો. દહેજ વિરુદ્ધ કડકાઈથી અહીં પરિવર્તન આવી રહ્યું છે. હવે લગ્નોમાં પૈસાનો વ્યય થતો નથી. સેંકડો બહેનોના લગ્નમાં દહેજનો કોઈ અવરોધ નથી. ગામમાં નમાઝ શીખવતા ૬૦ વર્ષીય ઇમામ બશીર અહેમદ કહે છે કે અહીં યોજાતા લગ્નોમાં બંને બાજુથી સૂવાની વસ્તુઓ પર પણ પ્રતિબંધ છે. લગ્નમાં માત્ર ૪ થી ૫ વાનગીઓ જ બનાવવામાં આવે છે. પહેલાના લગ્નોમાં વર પક્ષમાંથી લગભગ ૧૫ થી ૨૦ લોકો જતા હતા. પરંતુ આ સંખ્યા ઘટીને ૪ થી ૫ થઈ ગઈ છે.