દિલ્હીમાં ‘ઓપરેશન લોટસ’ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેઠકમાં 9 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.મીટિંગમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા અને વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ પણ ગેરહાજર હતા. આ તરફ ઓપરેશન લોટસ ફેઈલ થવાના કારણે અરવિંદ કેજરીવાલ રાજઘાટ જશે અને ત્યાં મૌન વ્રત કરશે.
ઉપરાંત, સૌરભ ભારદ્વાજે જણાવ્યુ હતું કે, દિલ્હી વિધાનસભામાં AAP પાસે 62 અને ભાજપ પાસે 8 બેઠક મળેલી છે.સરકાર બનાવવા માટે 36 ધારાસભ્યોની જરૂરી છે. દિલ્હીમાં આપ સરકાર ને કોઈ જોખમ નથી. સરકાર સ્થિર છે અને જે ધારાસભ્યો ગેરહાજર છે, તેઓ પોત-પોતાના કામથી બહાર ગયેલા છે. ભાજપે અમારા 12 ધારાસભ્યોને અમારો પક્ષ છોડવાની ઓફર આપી છે.
AAPના ધારાસભ્ય દિલીપ પાંડેએ જણાવ્યુ હતું કે ગઈકાલ સાંજથી અમુક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં જ મીટિંગમાં પહોચી જશે.ભાજપ અમારા 40 સભ્યો તોડવાનો પ્રયાસ કરી રહી છે.
બુધવારે આમ આદમી પાર્ટી (AAP)એ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. AAP નેતા સંજય સિંહે ઓપરેશન લોટસ અંગે ખુલાસો કર્યો. તેમણે કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને ભાજપે ઓફર કરી છે. ઓફર એ હતી કે AAP છોડવા પર 20 કરોડ રૂપિયા મળશે અને બીજાને સાથે લાવશો તો 25 કરોડ.
સંજય સિંહે કહ્યું હતું કે, અમારા ધારાસભ્યો સંજીવ ઝા, સોમનાથ ભારતી, કુલદીપ કુમાર અને અન્ય એક ધારાસભ્યને ભાજપ છોડવાના બદલામાં 20 કરોડ આપવાની ઓફર કરી હતી. સંજય સિંહ સાથે સોમનાથ ભારતી પણ હતા. ભાજપના લોકોએ મને કહ્યું હતું કે AAPના 20 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.
19 ઓગસ્ટના રોજ મનીષ સિસોદિયાના ઘરે CBIએ દરોડા પાડ્યા હતા. આ દરોડા લગભગ 14 કલાક ચાલ્યા હતા. જેના પછી CBIએ આ મામલામાં PMLA કાયદા અંતર્ગત કેસ નોંધ્યો હતો. સિસોદિયાએ દરોડા પછી જણાવ્યુ હતું કે ભાજપે તેને AAP છોડવાની અને CM બનાવવાની ઓફર કરી હતી.
આ તરફ ભાજપે જવાબ આપતા કહ્યું હતું કે ભ્રષ્ટચારના આરોપથી બચવા માટે આમ આદમી પાર્ટી ખોટી વાતો ફેલાવી રહી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ બુધવારે કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ જવાબ આપવો પડશે.