વિજાપુરના લાડોલ ગામના હરસિદ્ધ માતાજીના દર્શન કર્યા અને આશિર્વાદ મેળવ્યા હતાં
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી એકવાર ભાજપમાં પ્રવેશોત્સવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કૉંગ્રેસના નેતાઓ ભાજપનો ખેસ પહેરવા લાઈનો લગાવી રહ્યા છે. એ સંજોગોમાં ભાજપે પણ પ્રવેશ માટેનું શિડયૂલ બનાવ્યું છે. એ જોતાં હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે.કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે સોમવારે ભાજપમાં જોડાયા હતાં. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાઈ જશે.
વતનમાં કુળદેવી માતાજીના આશિર્વાદ લીધા
જયરાજસિંહે આજે સવારે પોતાના વતનમાં અજાય મતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિધ્ધમાતાજીના દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડિલોના આશિર્વાદ લીધા હતાં. બાદમાં તેઓ પોતાના અમદાવાદના નિવાસ સ્થાન સેન્ટોસા ગ્રીનલેન્ડ જવા નીકળ્યા હતાં અને ત્યાંથી સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરીને કમલમ જવા નીકળશે.
નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો
ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. આ અંગે તેમણે ટ્વિટર પર જાહેરાત કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધાં છે. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો.
જયરાજસિંહે પહેલીવાર ભાસ્કરને ખોંખારીને કહ્યું હતું-હા, કોંગ્રેસ છોડું છું
મહિનાથી બધી જાણ તો કરી હતી, પણ કોંગ્રેસમાં તો કેવું ચાલે છે ખબર છે ને? આટલી તાકાતથી લડીએ, પણ બધા એના એ જ બધા, કોઈ બીજાને ગોઠવાવા દેતા નથી અને હારેલા નેતાઓ જ બધા નિર્ણય કરે. તાકાતવાળા લોકોની ઉપેક્ષા થાય અને બીજા કોઈને ગોઠવાવા દે નહીં અને મારાથી આગળ જતો રહેશે એવો માનસિક ભય હોય, એટલે કંટાળ્યા છીએ.ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના 150 જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
Source- Divya Bhaskar