મહેસાણા જિલ્લાના છેવાડાના તાલુકાઓના આસપાસના વિસ્તારમાં જંગલ આવેલું છે. જેથી , અવારનવાર ઝેરી સાપ તેમજ અનેક પ્રાણીઓ જોવા મળતા હોય છે. ખેરાળું આસપાસ ના વિસ્તારમાં પ્રથમવાર આટલો લાંબો અજગર જોવા મળ્યો.આજે ખેરાલુના ડભોડા ગામની સીમમાં એક વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. 12 ફૂટ જેટલા મહાકાય અજગરનું પાંચ લોકોએ રેસ્ક્યૂ કરીને કોથળામાં પૂર્યો હતો.
ખેરાલુના ડભોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં જામફળના ઝાડ પર અજગર જોવા મળ્યો હતો. આ જોઈ ખેતરમાં રહેતો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. જેમણે આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગે ખેરાલુમાં સાપનું રેસ્ક્યુ કરતા મોહસીન મહેબૂબ સિંધીનો સંપર્ક કરી તેમને અજગરનું રેસ્ક્યૂ કરવા જણાવ્યું હતું.
ફોરેસ્ટ વિભાગે જાણ કરતાં જ મહોસીન મહેબૂબ સિંધી અને તેમનો પુત્ર ડભોડા પહોંચ્યા હતા અને ઝાડ પર રહેલા અજગરને ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો હતો. ત્યારબાદા અન્ય લોકોની મદદથી અજગરનું રેસ્ક્યૂ કરીને કોથળામાં પૂર્યો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને અજગર સોંપી દેવામાં આવ્યો હતો. જોકે, આ દરમિયાન મહોસીન મહેબૂબ સિંધીએ અજરગને માપતાં આ વિશાળ મહાકાય અજગર 12 ફૂટથી વધુ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું.