બોટાદ : માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરું પાડતી ગઢડા 108ની ટીમ આરોગ્ય કર્મીઓએ સમય-સુચકતા વાપરતા માતા તેમજ નવજાત બાળકને મળ્યું જીવનદાન

0
964

બોટાદ જિલ્લાની ગઢડા ૧૦૮ ની સંવેદના સભર કામગીરી : દુર્ગમ વિસ્તારમાં ૧૦૮ ના કર્મીઓએ ચાલીને પ્રસુતા સુધી પહોંચી તેમને પલંગ પર ઉપાડી એક કિલોમીટર દુર એબ્યુલન્સ સુધી પહોંચાડ્યા. ૧૦૮ની નિશુલ્ક સેવા રાજ્યમાં આપાતકાલિન સ્થિતિમાં સંજીવની સમાન. રાજ્ય સરકારનો આભાર કે જેમણે ૧૦૮ સહિત અનેક વિવિધ યોજનાઓ અમલી બનાવી અને ખરેખર પરિવારના મોભી તરીકેની ફરજ નિભાવી છે : દર્દીના પરિવારજન

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના દરેક માનવીના આરોગ્યની સુરક્ષા માટે અનેક વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. એવી જ એક સેવા અન્વયે રાજ્ય સરકાર દ્વારા ૨૪*૭ કલાક ૧૦૮ એબ્યુલન્સની સેવા રાજ્યના પ્રત્યેક માનવી માટે ઇમરજન્સીના સમયમાં મેડિકલ મદદ માટે અવિરતપણે કાર્યરત છે. આકસ્મિક પરિસ્થિતિમાં જીવાદોરી સમાન ૧૦૮ની સેવાથી રાજ્યના તમામ નાગરિકો સુપેરે વાકેફ છે. અકસ્માત, કુદરતી કે કૃત્રિમ આફતો વખતે નાગરિકોના સંરક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા ખુબ ઝડપી અને સંજીવની સમાન મનાય છે. ટાઢ-તાપ અને વરસાદ સહિત કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ૧૦૮ની ટીમ દર્દીને મદદરૂપ થવા તરત જ હાજર થઈ જાય છે. ત્યારે ગઢડા ૧૦૮ની ટીમે માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડયું છે. વલ્લભીપુર તાલુકાના દરેડ ગામે ફરી એક વખત ૧૦૮ની ટીમ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી. દરેડ ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેતમજુર મમતાબેનને પ્રસુતિની પીડા શરુ થતા તેમણે ગઢડા ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. EMT મયુર ડોડીયા અને પાઈલોટ પ્રવીણભાઈ ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા નીકળી ગયા હતા, પણ આગળનો રસ્તો ઝાડી ઝાંખરાવાળો અને પગદંડી સમાન હતો. આથી, ૧૦૮નો સ્ટાફ ડિલિવરીનો જરૂરી સામાન સાથે લઈ એક કિલોમીટર ચાલીને ત્યાં પહોંચી ગયો હતો, ઘટના સ્થળ પર પહોંચતા પહેલા ત્યાં ડિલિવરી થઈ હતી તો માતા તેમજ બાળકને પલંગ સાથે ઉપાડી એક કિલોમીટર દૂર એબ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. EMT એ સમયસૂચકતા વાપરી માતા તેમજ નવજાત બાળકને જરૂરી સારવાર આપી જીવનદાન આપ્યું હતું. ત્યારે દર્દીના પરિવારજનોએ ૧૦૮ના સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે, જ્યારે અમારે મદદની ખાસ જરૂર હતી ત્યારે ૧૦૮ની સેવા અમારા માટે જાણે દેવદૂત બનીને આવી હોય તેવું અનુભવ્યું. રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર કે જેમણે અમારા જેવા અનેક લોકો માટે ૧૦૮ સહિત અનેકવિધ યોજનાઓ અમલી બનાવી અને ખરેખર પરિવારના મોભી તરીકેની ફરજ નિભાવી છે. સાથે સાથે બોટાદ જિલ્લાના અધિકારી દિનેશભાઈ જલુ અને ઉચ્ચ અધિકારી ચેતન ગાધે સાહેબે ૧૦૮ની ટીમની આ સરાહનીય કામગીરી બદલ સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : અનીસ તાજાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here