Home GUJARAT GANDHINAGAR ગાંધીનગર : પડતર માંગણીઓ ને લઈને કિસાન સંઘે મોરચો માંડ્યો

ગાંધીનગર : પડતર માંગણીઓ ને લઈને કિસાન સંઘે મોરચો માંડ્યો

0

ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે છેલ્લાં ઘણાં સમયથી એક સમાન વીજ બિલ સહીતની પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.છતાં સરકાર દ્વારા ધ્યાન દેવામાં ન આવતા આખરે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આજે સવારથી કિસાન સંઘના નેજાં હેઠળ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ખેડૂતોએ રેલી યોજીને ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવી સરકાર સામે લડતની શરૂઆત કરી હતી.

આજે ગાંધીનગર સરદાર પટેલની પ્રતિમાથી કિસાન સંઘ દ્વારા રેલીનું આયોજન કર્યું હતું. સરકાર જ્યાં સુધી પડતર માંગણીઓ સંદર્ભે આ અંગે નિર્ણય ન લે ત્યાં સુધી કિસાન સંઘ ધરણાં કરશે અને પોતાની માંગ પર અડગ રહેશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. કિસાન સંઘના પ્રમુખ જગમલભાઈએ જણાવ્યું હતું કે, સરદાર પટેલની પ્રતિમાના આજે અમે આર્શીવાદ લેવા જઈ રહ્યાં છીએ. સરકાર બહેરી બની છે. છેલ્લા 6 મહિનાથી અમે રજૂઆત કરી રહ્યાં છે કે, અમારો વીજળીનો પ્રશ્ન જેમ નો તેમ છે. મીટર અને હોર્સ પાવર વચ્ચે ભાવમાં પણ ફરક છે. ખેડૂતોને કુવા અને બોરના તળિયામાં પાણી નથી. મીટર પોસાતું નથી, સરકારનું ધ્યાન દોરવા ગુજરાતભરમાંથી ખેડૂતો ઉમટી પડ્યાં છે. અમારી ધરણા કરવાની અરજી અમે 21 તારીખે આપી હતી, છતાં ધ્યાન આપ્યું નથી, તેથી અમે આજે સરદાર પટેલના આર્શીવાદ લેવા જઈએ છીએ.

વધુમાં જણાવ્યું કે, સરકાર પાસે હજી 12 કલાક છે, હજી પણ સાંભળી શકે છે. મુખ્યમંત્રી નિર્ણય લે અને ખેડૂતોને શાંતિથી ખેતી કરવા દેવામાં આવે. ગુજરાતના ખેડૂતોને રોડ પર ન લાવે. 27 વર્ષથી સરકાર અમારું સાંભળતી નથી. ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલન કરે છે. જો અમારી સમસ્યાનો ઉકેલ નહી આવે તો અમે ગામડા બંધ કરીશું, ધારાસભ્યો અને સાંસદોનું ગામડામાં જવાનુ મુશ્કેલ કરી દેવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version