ગ્રામભારતી પાસે રોડ અકસ્માતમાં યુવકનું મોત થયું હતું.
- રોડ સાઇડમાં મૂકેલું પેવર મશીન યુવક માટે જીવલેણ સાબિત થયું
ગાંધીનગર મહુડી હાઈ-વે પર આવેલા ગ્રામભારતી ચાર રસ્તા પાસે બુધવારે રાત્રે 2 યુવાન મિત્ર કાર લઈને નીકળ્યા હતા. દરમિયાન નવા બની રહેલા રોડ પર સાઈડમાં મૂકવામાં આવેલા મશીન સાથે કાર અથડાતાં 1 યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. કારચાલકને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે મૃત યુવકના પિતાએ કારચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.માણસા તાલુકાના અંબોડ ગામે આનંદપુરા પંચાયત કચેરીની પાસે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા 51 વર્ષીય ગોવિંદસિંહ ઉદાજી ચાવડા તથા તેમનો પુત્ર રાજદીપસિંહ ગઈકાલે સાંજે તેમના ઘરે હાજર હતા. તે વખતે ગામમાં જ રહેતો એક યુવક જયરાજસિંહ જગતસિંહ ચાવડા તેમના ઘરે આવ્યો હતો અને રાજદીપસિંહને ચાલ આપણે બહાર જઈને આવીએ છે, તેવું કહી તે પોતાની આઇ 20 કારમાં બેસાડીને સાંજે 7:30 ઘરેથી લઈને નીકળી ગયો હતો.
બંને મિત્રો ગામમાંથી નીકળી હાઇવે તરફ જતા હતા, ત્યારે ગ્રામભારતી ચાર રસ્તા પહોંચ્યા તે વખતે અહીં બનાવવામાં આવી રહેલા નવા રોડની સાઇડમાં રોડ પેવર મશીન મુકવામાં આવેલું હતું. જે રાત્રિના અંધકારમાં કારચાલક જયરાજસિંહને દેખાયું નહિ હોય અને કાર ધડાકાભેર મશીન સાથે ટકરાઇ હતી. જેમા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત બંને યુવકોને બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતા.જ્યાં કારમાં ચાલકની બાજુમાં બેઠેલ રાજદીપસિંહને શરીરના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી માણસા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી બાજુ અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ માણસા દોડી આવ્યા હતા અને જુવાનજોધ પુત્રનું અકસ્માતમાં મોત થતાં તેના પરિવારજનોએ રોકકળ કરી મૂકી હતી. અકસ્માત બાબતે મૃતક યુવકના પિતા ગોવિંદસિંહે રાત્રિના સમયે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જી રાજદીપસિંહનું મોત નીપજાવવા બદલ કારચાલક જયરાજસિંહ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.