ભૂમાફિયાઓનાં પાપે સાબરમતી નદી ના બંને કાંઠા કોરા ધાકોર.
નગરજનોની આશા પર પાણી ફરીવળ્યું
રેત ખનન કરીને ઊંડા ખાડા કરી દેતાં સાબરમતી નદીનાં બેય કાંઠા કોરા ધાકોર રહ્યા
ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહેશે તેવી નગરજનોને આશા હતી.પરંતુ ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં સંત સરોવર ડેમનાં બે દરવાજા ખોલવા છતાં પણ ભૂમાફિયાઓનાં પાપે સાબરમતી નદી બે કાંઠે થઈ નથી. વર્ષો પછી નદીમાં પાણી આવ્યું હોવાની ખુશીમાં નગરજનો હોંશે હોંશે સાબરમતી નદીને નિહાળવા પહોંચી ગયા હતા. જોકે, નદીનાં બંને છેડાના પટ કોરા ધાકોર જોવા મળતાં નગરજનોની આશા પર પાણી ફરી વળ્યા હતા
ગેર કાયદેસરરેત ખનનની પ્રવૃતિઓ કારણે નિષ્ફળતાં.
સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેત ખનનનાં કારણે નદીમાં 40થી 50 ફૂટના ઊંડા ખાડા કરીને તળિયા સુધી રેતી ઉલેચી લેવામાં આવી છે. એટલે સુધી કે બેફામ બનેલા ભૂમાફિયાને પોલીસનો પણ ડર રહ્યો નથી. ગઈકાલે 15મી ઓગસ્ટના રોજ માણસાના અનોડીયા ગામના વતની વનરાજસિંહ રાઠોડ લાકરોડા સાબરમતી નદી પાસેથી પસાર થતા હતા. ત્યારે નદીમાં હીટાચી મશીનથી રેત ખનન થતું જોઈને ભૂમાફિયાને ઠપકો આપ્યો હતો. જેનાં પગલે ગામના ભૂમાફિયા ગુલાબસિંહ રાઠોડ એકદમ ઉશ્કેરાઈ જઈ વનરાજસિંહ પર ધોકા લઈને ઘાતકી હુમલો કરી મર્ડર કરવાની ધમકી આપી ભાગી ગયો હતો. આ મામલે માણસા પોલીસમાં ફરિયાદ પણ થઇ છે. આવી ફરિયાદો છાશવારે પોલીસ ચોપડે નોંધાઈ રહી છતાં તંત્ર ભૂમાફિયાઓ સામે પાંગળું પુરવાર સાબિત થઈ રહ્યું છે.
40-50 ફૂટના ઊંડા ખાડા કરી દેવાતાં સાબરમતી નદીનાં બેય કાંઠા કોરા ધાકોર રહ્યા
બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે હજારો ક્યુસેક પાણી છોડવામાં આવતાં ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં નવાં નીર આવવાની સાથે બે કાંઠે નદી વહેતી જોવા મળશે તેવી નગરજનોને આશા બંધાઈ હતી. જોકે, પાણીની આવક થતાં ગાંધીનગર શહેરથી નજીક આવેલા સંત સરોવર ભરાઈને તેની સપાટી 55.50 મીટર સુધી પહોંચી ગઈ છે. જેનાં પગલે ડેમના બે ગેટ ખોલી દઈ 1399 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જોકે, નદીમાં નવા નીર તો આવ્યા હતા. પણ નદીનાં બંને છેડેના કાંઠા કોરા ધાકોર રહ્યા હતા. નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાના અહેવાલોના પગલે નાગરિકો મોટી સંખ્યામાં સાબરમતી નદીને નિહાળવા પહોંચી ગયા હતા. પરંતુ નદીમાં માત્ર નામ પુરતું જ પાણી વહેતું જોવા મળતાં નગરજનોની આશા પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે સાબરમતી નદીમાં ચાલતી ગેરકાયદેસર રેત ખનનની પ્રવૃતિઓ સદંતર બંધ કરાવી દેવાની નગરજનોમાં માંગ ઉઠવા પામી છે