ગોંડલના વાસાવડમાં રહેતા કારખાનેદાર અરવિંદભાઈએ સવા વર્ષ પહેલા ગામના જ શખ્સોને આપેલ સોલારના બાકી નિકળતા રુપિયા માંગતા ઉશ્કેરાયેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાઇ હતી. ફરિયાદી અરવિંદભાઈ ધનજીભાઈ સતાણી (ઉ.૪૯)એ ફરિયાદમાં જણાવ્યા અનુસાર હું વાસાવડ ગામની સીમમાં સોલારનું કારખાનુ ધરાવું છું. મેં આજથી સવા વર્ષ પહેલા અમારા ગામના નદીમભાઈ ગફારભાઈને મારા કારખાનામાંથી એક સોલાર રૂા. ૨૫ હજાર એક દિવસના વાયદામાં બાકી આપેલ હતું. જે છ માસ બાદ ૧૫ હજાર રુપિયા આવેલ હતા. જે બાબતે અવાર-નવાર ફોન કરવા છતાં તે જવાબ આપતો ન હોઇ જે બાબતે ગત તા. ૭નાં હું તેમના ઘરે ઉઘરાણી માટે ગયેલ હતો. પણ તે ત્યાં મળ્યો ન હતો.
બાદ તેને મને ફોન કરેલ કે તું મારી ઘરે કેમ આવ્યો હતો. તેમ કહી અપશબ્દો આપ્યા હતા તેમજ હું ઘરે જતો હતો ત્યારે મને રસ્તામાં અટકાવીને તેના ભાઈ નઇમ સાથે મળીને બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગેની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કે.એચ. જાડેજા અને તેના સ્ટાફે મારામારી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.