જૂનાગઢ જેલના અધિક્ષક તરીકે કચ્છની ગળપાદર જેલના જેલરને ચાર્જ સોંપાયો
બદલી કરાયેલા અધિકારી- કર્મચારીઓ સામે ખાતાકીય તપાસનો આદેશ
જૂનાગઢ જેલના અધિક્ષક, જેલર અને સુબેદાર સહિત 6 કર્મચારીઓની અચાનક બદલી કરી દેવાતા ચકચાર મચી છે. થોડા સમય પહેલા જૂનાગઢ જેલમાં યોજાયેલા કથિત બર્થડે પાર્ટીના વાઈરલ થયેલા વીડિયો મામલે કાર્યવાહી કરાઈ હોવાની ચર્ચા છે. બદલી કરાયેલા તમામ અધિકારી અને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ જેલ અધિક્ષકનો ચાર્જ પૂર્વ કચ્છની ગળપાદર જેલના જેલરને સોંપવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જેલમાં ગત તા.3 ફેબ્રુઆરીના રોજ કાચાકામના એક કેદીની બર્થડે પાર્ટી ઉજવાઈ હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. . જેમાં બહારના લોકો જેલમાં બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા અને કેક કાપ્યા પછી બેરેકમાં ફટાકડા ફોડવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેલમાં કાચા કામના કેદીની બર્થડે પાટીના વીડિયો વાઈરલ થતાં જેલતંત્રમાં દોડધામ થવાની સાથે જેલ સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા. અમદાવાદની જેલ જડતી સ્ક્વોડની ટીમના સ્ટાફે આ મામલે તપાસ કરતા જેલમાંથી બે મોબાઈલ અને એક રાઉટર પણ મળી આવેલ અને દીવાલ પરથી કોઈ ફેંકી ગયેલું પાંચ પાન સાથેનું પડીકું પણ મળી આવ્યું હતું.
વાયરલ થયેલ વિડીયોની તસ્વીર
આ સમગ્ર મામલાની રાજકોટ જેલના નાયબ અધિક્ષક દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જૂનાગઢ જિલ્લા જેલના અધિક્ષક અને જેલર એમ.જી.રબારીની કચ્છના ગળપાદર જેલમાં, જેલર એફ.એસ.મલેકની ભાવનગર, સુબેદાર નાથાભાઇ વી.ચુડાસમાની ભુજ,સિપાઈ ભરત પરમારની સુરત, અને હવલદાર પ્રવિણ જી.ઘોણીયાની અમદાવાદ જેલમાં બદલી કરવામાં આવી છે. તમામ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકને પ્રતિનિયુક્તિમાં રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા છે.જ્યારે જૂનાગઢ જેલના જેલ અધિક્ષક તરીકે કચ્છની ગળપાદર જેલના ડી.એમ. ગોહિલને ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.