પાટણ જિલ્લાના સમી ઝીલવાણા માર્ગ ઉપર એક ટ્રક અને કાર પલટી ખાઈ ગયા હતા. બન્ને વાહનના ચાલકોએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ખાઇ ગયા હતા. જેમાં બન્ને વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી. તેમજ અકસ્માતની ઘટનાને લઈ થોડો સમય માટે માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે ટ્રકના ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન અકસ્માતની ઘટના અંગે ૧૦૮ને કોલ મળતા ઇએમટી વિજેન્દ્ર ડોડીયા અને પાયલોટ સન્ની પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ટ્રકના ચાલકને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડી તેને વધુ સારવાર અર્થે અન્યત્ર રીફર કરવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાઈવર હર્ષદ કાળા ભાઈ મહીસાગરના સાંવલી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે કાર ચાલક કુંવર ગામના મોતી પાવરા હોવાનું સામે આવ્યું છે તેઓને પણ ઈજા પહોંચતા ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.