સેવા પરમો ધર્મના સૂત્ર થકી ઘણી જગ્યાએ સેવાકીય પ્રવૃત્તિઓ અનેક સેવાભાવી સંસ્થાઓ અને લોકો કરી રહ્યાં છે ત્યારે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કૂતરાઓને લાડુ અને ગૌમાતાને ઘાસ આપી સેવાભાવનો સંદેશા થકી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે, જોકે આ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉતરાયણના પાવન પર્વ નિમિતે દાન- પૂણ્યનો ધોધ વહાવી અનોખી સેવા કરી ઉતરાયણ પર્વ ઉજવી પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.
ગ્રામજનો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાને ચાર બોરી દાણ દુધ ડેરીના સ્ટાફ તરફથી અને ૧૦ હજાર રૂપિયા ભીખાભાઈ પ્રેમાભાઈ સોલંકી તરફથી ભેટ તેમજ પાંચ બોક્ષ ગોળ લુહાર ઘેવાભાઈ બાબુજી તરફથી અને ૮ હજાર રૂપિયા તમામ ગ્રામજનો તરફથી કૂતરાઓને લાડુ માટે જયારે ગૌમાતાને દાણ-ચારો આપી ઉતરાયણ પર્વની ખુશી મનાવી અનોખી રીતે ઉજવણી કરાય છે, આ પ્રસંગે આયોજક નરશીભાઈ એચ. દવે, દુધ મંડળીના મંત્રી ગેનાભાઈ પટેલ, સરપંચ સહિત ગામના સેવાભાવી યુવાનો, વડીલો ઉપસ્થિત રહી સેવાકાર્યમાં સહભાગી થયા હતા.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ