દાહોદના ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના હિસાબી વિભાગમાથી ચેકની ચોરી કરી રાતોરાત લાખોપતિ બનવાના સપના સેવતા મહાકૌભાંડીઓનો પર્દાફાસ.
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી 65.15 લાખની ચોરી થયેલ ચેક ઝાલોદ બેંકમાંથી ઉપાડવામાં આવ્યા.
ચેકની ચોરી કરવામાં ભૂમિકા ભજવનાર ફતેપુરા તાલુકા પંચાયતના બે કર્મચારીઓના નામ ખુલતા કચેરીમાં ખળભળાટ.
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી 1 ઓગસ્ટ-2022 પહેલા ચેકની ચોરી થઈ હોવા બાબતે તાલુકા પંચાયત કચેરીના જવાબદારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.અને આ ચેકમાં ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી.ના સંચાલક રાજેશભાઈ ભેમાભાઇ લબાના દ્વારા 65 લાખ 15 હજાર 547 રૂપિયા પોતાની મંડળીના બેંક ખાતા દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હોવાની બાબતે ફતેપુરા તાલુકા પંચાયત ટી.ડી.ઓ જે.એમ.ઠાકોર દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ફરજમાં બેદરકારી દાખવવા બદલ ફતેપુરા તાલુકા એકાઉન્ટ શાખામાં ફરજ બજાવતા નાયબ એકાઉન્ટનને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે.
ચેકની ચોરી કરી મહાકૌભાંડ આચરવાના કાવતરાનો પર્દાફાસ થતાં તેમાં સંડોવાયેલ અન્ય આરોપીઓના નામો ખુલવાની શક્યતા
તપાસ ચાલુ રાખતાં આફવાના રાજેશ લબાનાની ફતેપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ દરમિયાન ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અને આ ચેક ચોરી કરી કૌભાંડ આચરવામાં ભાગ ભજવનાર ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પ્રતીકકુમાર પ્રવીણલાલ કલાલ રહે.ફતેપુરા તથા ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં આસિસ્ટન્ટ ટેકનિકલ તરીકે ફરજ બજાવતા પુષ્પેન્દ્રસિંહ અરવિંદભાઈ લબાના રહે.આફવા તા.ફતેપુરાના ઓના નામો ખુલવા પામેલ છે.ફતેપુરા પોલીસે આ બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.ત્યારે આ બંને આરોપીઓ પોલીસ હિરાસતમાં આવ્યા બાદ વધુ નામો ખુલવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
હાલ સુધી મળેલી માહિતી મુજબ રાજેશ લબાના અવાર-નવાર તાલુકા પંચાયત કચેરીમાં અવર-જવર કરતો હતો.અને કોઈક રીતે તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટનો ચેક સીધી રીતે નીકળતો હોય તો કાંઈક આયોજન કરવાનું વિચારતો હતો.ત્યારે તે વાત તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા પ્રતિક કલાલ તથા પુષ્પેન્દ્ર લબાનાને જણાવી ચેકની ચોરી કરવામાં આવી હતી.જેમાં પુષ્પેન્દ્ર લબાના દ્વારા સહી સિક્કા કરવાની જવાબદારી લેવાઈ હતી.અને સહી સિક્કા કર્યા બાદ આ ચેક ઝાલોદ સ્ટેટ બેંકમાં નાખી નાણા ઉપાડવામાં આવ્યા હતા.જ્યારે રાજેશ લબાનાને આ ચેકના મળેલ નાણા પૈકી 15,00000/-રૂપિયા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.જ્યારે 50,00000/- રૂપિયા પ્રતિક કલાક તથા પુષ્પેન્દ્ર લબાના પાસે હોવાનું રાજેશ લબાના દ્વારા ફતેપુરા પોલીસને જણાવવામાં આવી રહ્યું છે.
આમ,ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી થયેલ ચેકની ચોરી બાબતે ફતેપુરા પોલીસ સ્ટેપ બાય સ્ટેપ તપાસ કરી રહી છે. અને આવનાર સમયમાં બે આરોપીઓની ધરપકડ બાદ તેમની પૂછપરછ માં વધુ વિગતો પ્રકાશમાં આવશે તેમ જણાઈ રહ્યું છે.
રીપોર્ટર કિશોર ડબગર દાહોદ