જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સરહદ પાર કરી રહેલા 3 આતંકવાદીઓને સેના દ્વારા ઠાર મારવામાં આવ્યા છે. ઘૂસણખોરી કરતા આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું કે સેનાના જવાનોએ નિયંત્રણ રેખા (LoC) પાસે શંકાસ્પદ હિલચાલ જોઈ હતી જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની આતંકવાદીઓ 25 ઓગસ્ટે ઉરી સેક્ટરથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ગુપ્ત માહિતી મળ્યા બાદ આ આતંકીઓને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ ગેજેટ્સની મદદથી શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાદ સેનાના બહાદુર જવાનોએ 3 આતંકીઓને ઠાર માર્યા હતા.
એમાંથી એક આતંકવાદી નાસી ગયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ માહિતી આપી હતી કે કુલ ચાર ઘૂસણખોરો હતા, જેમાંથી ત્રણ માર્યા ગયા હતા, ચોથો આતંકવાદી ભાગી ગયો હતો. ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે ચોથા આતંકી મળ્યો નથી. તેની શોધખોળ ચાલુ છે. પાંચ દિવસમાં ઘૂસણખોરીનો આ ત્રીજો પ્રયાસ છે. આ પાંચ દિવસમાં 5 આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે.
21 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીકથી 4-5 આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. તે લોકો ભારતીય પોસ્ટ પર લગાવાયેલી ફેન્સિંગને કાપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે સૈનિકોએ તેમને જોયા. સૈનિકોએ તેમને પડકાર્યા, ત્યારબાદ તમામ આતંકવાદીઓ ભાગવા લાગ્યા હતા.આ દરમિયાન ભારતીય જવાનોના ગોળીબારમાં એક આતંકી ઘાયલ થયો હતો અને તે જીવતો પકડાયો હતો. તેના બાકીના સાથીઓ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. પકડાયેલા આતંકીનું નામ તબરક હુસૈન છે. ઘાયલ તબરકને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી.