CSR એક્ટિવિટી અંતર્ગત બેંગ્લોરની NEW SPACE INDIA LTD (NSIL) દ્વારા અનુદાન
નર્મદા કલેકટર ડીએ શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ અને જિલ્લા આયોજન અધિકારી એસએસ પાંડે દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરની સરકારી માધ્યમિક હાઈસ્કૂલ અને ડેડિયાપાડા તાલુકાની જૂના મોઝદા માધ્યમિક શાળા માટે વિજ્ઞાનના સાધનો પુરા પાડવા માટે બેંગ્લોરની NEW SPACE INDIA LTD (NSIL)ને CSR એક્ટિવિટી અંતર્ગત 10 લાખની દરખાસ્ત મોકલવામાં આવી હતી.
જે દરખાસ્ત કંપની દ્વારા મંજુર કરી બન્ને શાળાઓને શાળાદીઠ 5 લાખના સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ સાધનો બન્ને શાળાઓના 400 જેટલા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને વિજ્ઞાનના શિક્ષણકાર્યમાં મદદરૂપ અને ઉપયોગી સાબિત થશે તેમજ વિદ્યાર્થીઓના લર્નિગ આઉટકમમાં વધારો થશે.
આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કેપીપટેલ દ્વારા CSR એક્ટિવિટી અંતર્ગત બેઝીક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાન માટે 25 લાખ અને જિલ્લાના 28 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે કેન્દ્ર દીઠ એક ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પુરા પાડવા માટે 22.40 લાખની દરખાસ્ત સહિત 47.40 લાખની દરખાસ્તોને NEW SPACE INDIA LTD કંપનીને મોકલી આપવામાં આવેલ હતી, જેને કંપની દ્વારા હાલમાં જ પ્રાથમિક મંજુરી આપવામાં આવી છે.
NSIL કંપની ધ્વારા નર્મદા જિલ્લાના આરોગ્ય ક્ષેત્ર માટે મંજુર કરવામાં આવેલ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ વાનની મદદથી જિલ્લાના દુર્ગમ, અંતરિયાળ અને પહાડી વિસ્તારોના લોકો સુધી ઈમરજન્સીના સમયમાં સમયસર આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી શકાશે તેમજ સંસ્થાકીય પ્રસૂતિ, બાળકોને સંપૂર્ણ રસીકરણ, ANC રજીસ્ટ્રેશન જેવા એસ્પિરેશનલ જિલ્લા કાર્યક્રમનાં અગત્યના ઈન્ડીકેટર્સને 100 % સુધી લઈ જવામાં સફળતા પ્રાપ્ત થશે.