પોલીસકર્મીને બૂટલેગરે અન્ય સાથે મળીને માર માર્યો
- 2 પોલીસકર્મી મુઠીયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા
- લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો
અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી તેને સાબિત કરતો એક કિસ્સો બન્યો છે. નરોડામાં આરોપીને પકડવા ગયેલા પોલસીકર્મીઓને સ્થાનિક બૂટલેગરે જાહેરમાં રોડ પર માર માર્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મીને બીભત્સ ગાળો આપી મારીને રોડ પર દોડાવી દોડાવીને માર્યા હતા.
બૂટલેગરે અન્ય લોકો સાથે મળી પોલીસને માર માર્યો
નરોડામાં ફરજ બજાવતા સુરેશ અને નવરંગપુરામાં ફરજ બજાવતા રુદ્રદતસિંહ નામના 2 પોલીસકર્મી મુઠીયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા. જ્યાં મામલો બીચકતા બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકોએ બંને પોલીસકર્મીને માર માર્યો છે. લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો હતો. રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી પડી ગયો છતાં તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. એટલુ જ નહીં, પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો.
નાણાકીય વ્યવહાર બાબતે માર મરાયાની ચર્ચા
પૈસાની લેતીદેતી મામલે માર મરાયાની ચર્ચા
પોલીસ પ્રોહિબિશનના આરોપીને પકડવા ગઈ હોવાની વાત સામે આવી છે, પરંતુ નવરંગપુરાના પોલીસકર્મી નરોડા પોલીસ સાથે શા માટે બૂટલેગરને ત્યાં ગયો તેને લઈને ચર્ચા ચાલી રહી છે. રુદ્રદત નામનો પોલીસકર્મી પીઆઈનો વહીવટ કરતો હોવાનું પણ ચર્ચામાં છે અને આજે બંને પોલીસકર્મી જ્યારે બૂટલેગરને ત્યાં પહોંચ્યા ત્યારે પૈસાની લેતી દેતી બાબતે જ મામલો બીચકતા પોલીસકર્મીઓને માર્યા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.