નોકરીની લાલચ આપી ૩.૨૫ કરોડની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ

0
231

વર્ષ ૨૦૨૦થી ગાંધીનગરના દહેગામ ખાતે મીઠાના મુવાડામાં સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નામની એકેડમી ચલાવતાં હરિશ પ્રજાપતિ તેમજ પૂરવિંદરસિંગ સાથે મળી અને ગુજરાતની વિવિધ સરકારી ભરતીઓમાં નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી પૈસા પડાવી લેતા હતા.પોલીસે દહેગામ ખાતેથી સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્ર નામની એકેડમી ચલાવતા હરીશ તેમજ પૂજા ઠાકોરની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પેન ડ્રાઈવ મળી આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એલઆરડી અને રાજસ્થાનના ઉમેદવારોના અરજી ફોર્મ એડમિટ કાર્ડની રીસીપ્ટ ફોટા પ્રમાણપત્રો સહિતના દસ્તાવેજાે પણ મળી આવ્યા હતા. આરોપીઓમાં શાહરૂખ નામના એક આરોપીએ પીએસઆઈ અને એલઆરડી ના ઉમેદવાર પાસેથી ૨૫ લાખ રૂપિયા લીધા હતા. ફિઝિકલ પરીક્ષામાં ઉમેદવાર નાપાસ થયો હોવા છતાં પણ પીએસટી પાસ અને પીઇટી પાસ ના સિક્કા મારી દીધા હતાં. ૧૧ જેટલા ઉમેદવારોના ફોર્મ તેઓએ મુદત વીતી ગયા બાદ ભર્યા હતા.

ધરપકડ કરાયેલી આરોપી પૂજા ઠાકોર પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો.જેમાં પીએસઆઈની ભરતીમાં ફિઝિકલ પરીક્ષાનું એડમિટ કાર્ડ મળી આવ્યું હતું. પોતે પીએસઆઈની ફિઝિકલ પરીક્ષા આપી હતી પરંતુ પોતે નાપાસ થઈ હતી છતાં પણ હરીશ પ્રજાપતિએ તેના એડમિટ કાર્ડમાં ફિઝિકલ પરીક્ષા પાસ થયા હોવાનું પણ સિક્કો મારી આપ્યો હતો. આરોપીઓ અલગ-અલગ ભરતી માટે અલગ-અલગ રકમ લેતા હતા. જેમાં પીએસઆઈ માટે ઉમેદવાર દીઠ ૧૦ લાખ, એલઆરડીમાં પુરૂષ માટે ૫ લાખ અને મહિલા માટે ૪ લાખ, તલાટી માટે ૫ લાખ, જુનિયર ક્લાર્ક માટે ૨.૫ લાખ, આર્મી માટે ૩.૫ લાખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ૧.૫ લાખ રૂપિયા પડાવતા હતા. મોટાભાગના ઉમેદવારો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે અને તેઓના ગાંધીનગર જિલ્લાના અલગ અલગ સરનામાં ઓનલાઇન તરીકે ખોટા દર્શાવી અને તેઓનું ફોર્મ ભરાવતા હતા.

રાજસ્થાનના ૬૦ ઉત્તર પ્રદેશના ચાર અને ગુજરાતના ૧૭ જેટલા ઉમેદવારો મળી કુલ ૮૧ લોકોના ફોર્મ તેઓની પાસેથી મળી આવ્યા હતા અને અંદાજે રૂ. ૩.૨૫ કરોડની છેતરપિંડી અત્યાર સુધીમાં કરી હોવાનું સામે આવ્યું છે.સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને લોકોને ઠગનાર ગેંગને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ૮૧ જેટલા લોકોને આ ગેંગ દ્વારા નોકરીની લાલચ આપીને ઠગનાર એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ૩ લાખ રોકડા, પીએસઆઈની ભરતીના ખોટા ફોર્મ, ડોક્યુમેન્ટ, પીએસઆઈનો યુનિફોર્મ, નકલી આઇકાર્ડ સહિતનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કબજે કર્યો હતો. હાલમાં આરોપી પૂરવિંદરસિંગ અને શાહરુખ નામના વ્યક્તિની ધરપકડ કરવાની તજવીજ ચાલી રહી છે.

મહિલા આરોપી પૂજા ઠાકોર પોતે પીએસઆઈની ફિઝિકલ ભરતીમાં નાપાસ થઈ હોવા છતાં તેણે પાસ હોવાનો ખોટો સિક્કો માર્યો હતો. સરકારી નોકરી અપાવવાના બહાને આ ગેંગ દ્વારા રૂ. ૩.૨૫ કરોડની અત્યાર સુધીમાં છેતરપિંડી કરી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પીએસઆઈ, એલઆરડી, આર્મી, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિતની વિવિધ પરીક્ષાઓ માટે તેઓએ અલગ-અલગ રકમો પડાવી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયસર અને તેમની ટીમને માહિતી મળી હતી કે વિવિધ સરકારી ભરતીઓ માં લોકોને નોકરી અપાવવાના બહાને કેટલાક લોકો છેતરપિંડી કરે છે. જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સી આર જાદવ અને એન.આર બ્રહ્મભટ્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બાતમીના આધારે રવિપ્રતાપસિંગ રાવતની દહેગામ ખાતેથી ધરપકડ કરી હતી. આરોપી રવિપ્રતાપસિંગ પાસેથી લેપટોપ, બેગ અને મોબાઈલ ફોન મળ્યા હતા. જેમાંથી પીએસઆઈ, એલઆરડી, આર્મી, જુનિયર કલાર્ક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીના ફોર્મ તેમજ ફીની રિસીપ્ટ મળી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here