સાંતલપુર તાલુકાની કોલીવાડા પ્રાથમિક શાળામાં પાણી પૂરું પાડતી પાઇપ લાઇનમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં ગેરકાયદેસર જોડાણ કરી દેવાતાં તેના કારણે પ્રાથમિક શાળામાં વીસેક દિવસથી પાણી આવતું નથી જેને લઈને ઉનાળાની ગરમીમાં પીવાના પાણી માટે શાળાના બાળકોને વલખાં મારવા પડે છે.સાંતલપુર તાલુકાની કોલીવાડા પ્રાથમિક શાળામાં વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કોમ્યુટર લેબનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે મુખ્યમંત્રીને ખુશ કરવા પાણી પુરવઠા વિભાગ દ્વારા રાધનપુર તાલુકાના પીપળીથી કોલીવાડા પ્રાથમિક શાળા સુધી સ્પેશિયલ પાઇપ લાઇન નાખી પાણી પહોંચાડ્યું હતું.
પરંતુ ત્યારબાદ શાળાને પાણી પહોંચાડવા માટેની પાણીની પાઈપલાઈનમાં વચ્ચે ખેતરોમાં ગેરકાયદેસર જોડાણ કરી તે પાણી રજકો, બાજરી, જુવાર જેવા પાકોના પીયતમાં વપરાશ કરાતા શાળા સુધી પાણી પહોંચતું બંધ થયું છે.કોલીવાડા ગામથી એકાદ કિલોમીટર દૂર આવેલ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 11 સુધીના 550 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા વીસેક દિવસથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બાળકોને પીવાનું પાણી ઘેરથી લઈને શાળામાં ફરજિયાત આવવું પડે છે. શાળાના આચાર્ય દ્વારા પાણી પુરવઠા કચેરીમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી.
તંત્ર કહે છે કે જાતે જોડાણ કાપી નાખો : આચાર્ય
પાઈપ લાઈનમાંથી ખેતરોમાં ગેરકાયદેસર કનેક્શન થઈ જતાં શાળામાં વીસેક દિવસથી પાણી આવતું નથી. આ બાબતે રાધનપુર પાણી પુરવઠાના અધિકારીને રજૂઆત કરતાં સામેથી તમે જઈને કનેક્શન કાપી આવો તેવો જવાબ પાણી પુરવઠાના અધિકારીએ આપ્યો હતો. ગેરકાયદેસર કનેક્શન કાપવાની જવાબદારીમાંથી પાણી પુરવઠા અધિકારી છટકી રહ્યા હોવાનું શાળાના આચાર્ય ચતુરદાન ગઢવીએ જણાવ્યું હતું.
ગેરકાયદેસર જોડાણો કાપવા ટીમ મોકલી છે :તંત્ર
પાણી પુરવઠા અધિકારી અમૃત દેસાઈએ જણાવ્યું કે ગેરકાયદેસર કનેકશન કાપવા માટે આજે માણસોને મોકલી દીધા છે. આવતીકાલ સુધીમાં ગેરકાયદેસર જોડાણો કાપી દેવાશે અને સ્કૂલની અંદર પીવાનું પાણી પહોંચતું કરીશું.ગેરકાયદેસર કનેક્શન બાબતે પૂછતાં જવાબ આપવાનું ટાળ્યું હતું.
Source – divya bhaskar