પાટણના વેપારીએ લેણદારોના ત્રાસથી આત્મહત્યા કરી

0
727

પાટણ,
પાટણના હાંસાપુર પાસે સાંઇકુટિર બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા અને ઊંઝાના ડાભી ગામનાં વતની વિજયભાઇ હરગોવનભાઇ પટેલે શરૂઆતમાં પાટણમાં દુકાન ચાલુ કરી હતી. પરંતુ ધંધામાં નુકશાન થતાં આર્થિક ભીંસમાં આવેલા વેપારી વ્યાજે પૈસા આપતા લોકોનાં સંપર્કમાં આવ્યા હતા. તેમણે ડ્રેસ મટિરીયલ્સના ધંધા માટે પૈસા વ્યાજે લીધા હતા અને મહેસાણા, ઊંઝા, સુરત, હિંમતનગર, પાટણ જેવા શહેરોમાં ધંધો કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને ધંધામાં ખોટ જતાં તેમણે ૭ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. તેમણે કેટલાકને વ્યાજ સાથે પૈસા પાછા આપ્યા હતા.

આમ છતાં પણ વિજયભાઇ તથા તેમની પત્ની ભાવનાબેનને વ્યાજખોરો ફોનથી અને અન્ય રીતે ધમકીઓ આપીને ઉઘરાણી કરતા હતા. જેથી કંટાળી ગયેલા વિજયભાઇએ પાટણનાં તાલુકાનાં પાટણ-ઊંઝા રોડ ઉપર આવેલા દિગડી ગામ પાસેનાં સધીમાતાનાં મંદિર નજીક ૩જી ડિસેમ્બરના રોજ દવા પી આપઘાત કરતાં ધારપુર હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે ૭ વ્યક્તિઓ સામે મૃતક વિજયભાઇ પટેલની પત્ની ભાવનાબેન પટેલે બાલીસાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાંવતા પોલીસે આઇ.પી.સી. ૩૦૬, ૩૮૪, ૫૦૬(૧) મુજબ ગુનો નોંધ્યો હતો. આ ફરીયાદમાં પત્ની ભાવનાબેને જણાવ્યું હતું કે, તેમનાં અને વિજયભાઇનાં ૨૦૧૭માં પ્રેમલગ્ન થયા હતા. તેમજ વિજયભાઇનાં અગાઉના લગ્નથી સંતાનમાં એક દિકરો છે. તેમના જણાવ્યા પ્રમાણે તા. ૩ જાન્યુઆરીના રોજ સાંજે ભાવનાબેને તેમનાં પતિને ફોન કરીને “તમે ક્યાં છો?” તેમ કહેતાં વિજયભાઇએ કહેલું કે, “હું ચાણસ્મા જાઉં છું કાં તો ડાભી જઇશ.” બાદમાં તેમણે ભાવનાબેનને ફોન કરીને “તું મને માફ કરજે” તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જેથી ભાવનાબેને ફરી ફોન કરતાં તેમણે રિસિવ નહોતો કર્યો. બાદમાં સાંજે વોટ્‌સએપ કોલ આવતાં વિજયભાઈએ ફરીથી પત્નીને “માફ કરજાે, હવે બહુ લેટ થઇ ગયું છે. તું મને નહિં બચાવી શકે. મેં સેલફોસ અને ઉધઇની દવા પીધી છે. મારે ઘણું દેવું હતું પણ આ લોકોનાં ત્રાસથી મને મરવા માટે મજબૂર કર્યો છે. તું આ લોકોને છોડતી નહિં મારા મરવા પાછળનું કારણ તું જાણે છે ને?” તેમ કહેતાં ભાવનાબેને તેઓ ક્યાં છે એમ પૂછતાં તેઓ ઊંઝા રોડ પર દિગડી ગામથી આગળ સધી માતાનાં મંદિરે રોડની સાઇડે છે તેમ જણાવ્યું હતું. જેથી ભાવનાબેન તેમનાં ભાઇને લઇને ઉપરોક્ત સ્થળે ગયા હતા અને ત્યાં એસેન્ટ ગાડી પડી હતી, જેની ડ્રાઈવર સિટ પર વિજયભાઇ દવા પીધેલી હાલતમાં અર્ધબેભાન હાલતમાં પડ્યા હતા. જેથી તેમને ગાડીમાં જ ધારપુર સિવીલમાં ખસેડાયા હતા. જ્યાં રાત્રે સાડા નવ વાગ્યે તેમનું મોત થયું હતું.

આ બનાવ અંગે પોલીસે ૭ જણા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો હતો.પાટણ તાલુકાનાં દિગડી ગામે સધીમાતાનાં મંદિર પાસે પાટણમાં ડ્રેસ મટિરીયલનો ધંધો કરતા એક યુવાન વેપારીએ લેણદારોનાં કહેવાતા ત્રાસ કારણે રાત્રે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. જે અંગે મૃતકની પત્નીએ બાલીસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here