પાટણમાં ઈલેક્ટ્રીક ડીપીમાં ફસાયેલો ચાઇનીઝ દોરી વાળો પતંગ લૂંટવા જતા માસૂમ બાળક મોતને ભેટ્યો

0
1028

  • શહેરના છાસીયાધરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના માસુમ બાળકના મોતને પગલે પરિવારમાં શોક
  • તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ છતાં શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કર્યુ

મકરસંક્રાંતિ પર્વને લઈને તંત્ર દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે ઉતરાણ પૂર્વે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છતાં પાટણ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા તંત્રની નજર ચૂકવીને મોટા પાયે ચાઇનીઝ દોરીનું વેચાણ કર્યું હોવાની પ્રતિતિ મકરસંક્રાંતિના પર્વના દિવસે ચાઇનીઝ દોરી વાળો પતંગ લૂંટવા જતાં 14 વર્ષના માસૂમ બાળકનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.

બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના લસણીયા વાડા છાસિયાધરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ વિરલ કુમાર સેવંતીલાલનો 14 વર્ષિય માસુમ પુત્ર શુભમ ઉતરાયણનાં દિવસે શહેરના નિલમ સિનેમા નજીકના પનાગરવાડા પાસે ઉભો હતો. તે સમયે ચાઈનીઝ દોરી સાથે કપાયેલ પતંગ ઈલેક્ટ્રીક ડીપી ઉપર ફસાતા તેને લૂંટવા જતાં માસુમ શુભમને જબરજસ્ત ઈલેક્ટ્રીક શોટૅ લાગતા વિસ્તારના રહીશો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે માસુમને મૃત જાહેર કરતા માસુમ બાળક નાં પરિવારજનોમાં ઉતરાયણ નો પવૅ શોક માં પલટાયો હતો.

એક તરફ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી નહીં વેચવા અપીલ કરી હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કર્યું હોવાની પ્રતિતિ ઉતરાયણનાં દિવસે બનેલી ઘટના ઉપરથી ફળીભૂત બની છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here