પાટણ શિહોરી હાઈવે ત્રણ રસ્તા પેટ્રોલ પંપ પાસે મંગળવારે સાંજે બાઈક અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક પાછળ બેઠેલ વ્યક્તિનું સ્થળ પર મોત નિપજ્યું હતું. અને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પાટણ શિહોરી હાઈવે ત્રણ રસ્તા પાસે મંગળવારે સાંજે કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક નંબર જીજે-08- બીજે-6536 લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઈકને પાછળથી ઈકો ગાડી નંબર જીજે-02-સીપી-0728 ટક્કર મારતાં બાઈક ચાલક અને પાછળ બેઠેલ રોડ પર પટકાતા રાનેર ગામના બાઈક ચાલક શૈલેશસિંહ સોમજીજી જાદવને માથાનાં અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ પાટણ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
અને પાછળ બેઠેલ ગજેન્દ્રસિંહ સાદુળસિંહ જાદવને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જેથી ઘટનાસ્થળે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. કાંકરેજ તાલુકાના રાનેર ગામના કાનાણી પાર્ટીના રહેવાસી ગજેન્દ્રસિંહ જાદવ મંગળવારે બપોરના સમયે પાટણ તેમની દીકરી વિષ્ણુબા બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોવાથી તેઓ કાકા- ભત્રીજા ખબર-અંતર લેવા માટે બાઈક લઈને પાટણ આવ્યા હતા અને તેઓ સાંજના પોણા આઠ વાગ્યાના સમયે પરત ઘર તરફ જઈ રહ્યા હતા.
તે સમયે ઈકો ગાડીએ પાછળથી ટક્કર મારતાં તેઓ હાઈવે રોડ પર પટકાતા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ગજેન્દ્રસિંહ જાદવનું મોત નિપજ્યું હતું અકસ્માત ન પગલે સરસ્વતી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને ત્યારબાદ લાશ વાલીવારસોને સોંપવામાં આવી હતી. સરસ્વતી પોલીસે ઈકો ચાલક સામે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
SOURCE – DIVYA BHASKAR