Home GUJARAT પાટણ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં તાલુકાના મંદિરોનો વિકાસ કરવાનો નિર્ણય લેવાયો

પાટણ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં તાલુકાના મંદિરોનો વિકાસ કરવાનો નિર્ણય લેવાયો

0
  • જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાઈ

પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં માધુ પાવડિયા ઘાટ, સંડેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર અને અડિયાના દુધેશ્વર મહાદેવ મંદિરનો આગામી સમયમાં વિકાસ કરવા પસંદગી કરવામાં આવી છે.

પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલ તથા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગત ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલા યાત્રાધામ વિકાસ અને પ્રવાસન ધામોને લગતા વિકાસકાર્યોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા વર્ષ 2021-22માં વિવિધ ત્રણ સ્થળોને વિકસાવવા માટે પસંદગી કરવામાં આવી છે, જે અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવશે.

વર્ષ 2021-22ના આયોજન મુજબ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલા માધુ પાવડિયા ઘાટનો વિકાસ કરવા અંદાજે રૂ.02 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવશે. જેનો સીધો લાભ તર્પણ વિધિ માટે આવતા લાખો શ્રદ્ધાળુઓને થશે.

આ ઉપરાંત સંડેર ખાતે સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં અંદાજે રૂ.02.80 કરોડ તથા હારીજ તાલુકાના અડિયા ખાતે આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરનો અંદાજે રૂ.04.07 કરોડના ખર્ચે વિકાસ કરવા આયોજન હાથ ધરવામાં આવશે. આ મંદિરોમાં વિવિધ વિકાસકાર્યોના પરિણામે શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે.

આ તમામ સ્થળોએ સુવિધાઓમાં વધારો કરવા જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા અંદાજીત રકમ સાથે પસંદગી કરવામાં આવી છે. જે અંગે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલ્યા બાદ મંજૂર થયેલ અનુદાન મુજબ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે.

હાલ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અનુદાનથી પાટણ ખાતે વિર મેઘમાયા સ્મારક, શંખેશ્વર તાલુકાના મુંજપુર ખાતે શ્રી ત્રિકમ સાહેબની જગ્યા અને શ્રી લોટેશ્વર મહાદેવ મંદિર, ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે ગોપાલજી મંદિર તથા સમી ખાતે બાલકદાસ સાહેબની જગ્યાના વિકાસકાર્યો વિવિધ સ્તરે પ્રગતિમાં છે.

આ બેઠકમાં મદદનીશ કલેક્ટર સચિનકુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિલીપસિંહ રાઠોડ, નાયબ વન સંરક્ષક બી.એમ.પટેલ, સંશોધન અધિકારી જે.એમ.કુરેશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રાંત અધિકારીઓ તથા તમામ તાલુકાના મામલતદારઓ ઈ-માધ્યમથી જોડાયા હતા.

Source link

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version