પાટણમાં માતા પિતા ગુમાવેલ નિરાધાર બાળકો જે વૃદ્ધ દાદા દાદી સાથે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા હોય તેવા 5 બાળકો ઘર વિહોણા ન રહે માટે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ વિકસિત જાતિ વિભાગ સાથે સંકલન કરી ઘરના પાકા મકાન બને માટે સહાય મંજૂર કરાવતા જિલ્લાના 5 તાલુકામાં 5 બાળકોના પાકા મકાનો બનવાના શરૂ થયા છે. ટૂંક સમયમાં ઝુંપડપટ્ટીમાંથી પાકા ઘરમાં રહેતા થઈ જશે.પાટણ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા નિરાધાર અને દાદા-દાદી સાથે રહેતા બાળકોની મુલાકાત લઇ તેમની સંભાળ અંગે ચકાસણી કરી હતી જે દરમિયાન જિલ્લાના હારીજ, રાધનપુર, સાંતલપુર, ચાણસ્મા, શંખેશ્વરના 5 બાળકો દાદા-દાદી (વયોવૃદ્ધ) સાથે પ્લાસ્ટીકના તાપડા બાંધી ઝુંપડીમાં રહેતા હોય વિવિધ ઋતુઓ દરમિયાન પડતી સમસ્યાઓ દયનીય અને લાચાર પરિસ્થિતિમાં જીવતા હોય બાળ સુરક્ષા એકમ તેમની વ્હારે રહી પોતાનું મકાન મળી રહે તે હેતુથી સમાજ કલ્યાણ વિભાગ (વી.જા) સાથે સંકલન કરી પરિવારની પુનઃમુલાકાત કરી લાભાર્થીઓને ઈ-સમાજ કલ્યાણ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી ખૂટતા દસ્તાવેજની પૂર્તતા કરાવી યોજનામાં સમાવેશ કરાવી સત્વરે મકાન સહાય મંજૂર થતા મકાનો બનાવવાની કામગીરી ચાલુ કરાવી છે.
બાળકો ઘર વિહોણા ન બને માટે ઘરનું ઘર બનાવવા મુહિમ ઉપાડી : બાળ સુરક્ષા અધિકારી
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે બાળકોના દાદા દાદી વૃદ્ધ છે.ગમે ત્યારે ભવિષ્યમાં તેમનું અવસાન થાય તો આ બાળકો અનાથ તો છે. ઘર વિહોણા બની રઝળી જાય તેવી સ્થિતિ હતી.જે માનવતાના ધોરણે તેમને રહેઠાણ માટે પાકું પોતાનું મકાન મળે તેજ આશ્રયથી મુહિમ ઉપાડી હાલમાં 5 બાળકોને મકાન સહાય મંજૂર કરાવી છે.વધુ 2 બાળકોની અરજીઓ કરવામાં આવી છે. તેમની પાસે જમીન હતી.તેના પર મકાન બાંધવા કુલ 1.20 લાખની સહાય મળનાર છે. જેમાં પ્રથમ હપ્તો ચૂકવાઈ ગયેલ છે.બાળ સુરક્ષા વિભાગ અધિકારીઓ સાથે રહી તેમના મકાન બની જાય માટે પ્રયાસ કરી રહ્યું છે.
Source – divya bhaskar