પાછલા એક વરસ થી ચાલતા ઝગડાના પરિણામે માતાએ દીકરો ગુમાવ્યો. પોતાનો ભત્રીજો જ બન્યો ફોઇ ના દુ:ખ નું કારણ. મામા ફોઇના છોકરા વચ્ચે છેલ્લા એક વર્ષથી ઝઘડો ચાલતો હતો
‘ઓ…મા…ઓ…મા…મારો છોકરો, મારા છોકરાને મારી નાખ્યો’ આ હૈયાફાટ રૂદન એ અભાગી માતાનુંં છે. જેના પુત્રની પાટણમાં ભરબજારે હત્યા થઇ છે. દુ:ખની વાત એ છે કે, સગા મામાના છોકરાએ ફોઇના છોકરાને બજાર વચ્ચે છરી વડે નાખ્યો છે. ત્યારે માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં ગુરુવારની સવારે 9 વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી.એક વર્ષથી ચાલતા મામા-ફોઇના છોકરાઓના ઝઘડાઓ અંત મોતથી આવ્યો છે.સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે.જેમાં રિક્ષા ચાલક ફોઇના છોકરા પર તેનો મામાનો છોકરો ભરબજારે છરી વડે હુમલો કરે છે. જેમાં રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર પૂર્વે મોત નીપજયું હતું
મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જેને એક વર્ષથી તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેનો મામનો છોકરો મળ્યો હતો. ઉગ્ર બોલાચાલીને પગલે ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે છરી વડે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જ્યાં મૃતકના પરિવારજનોના આક્રંદ થી વાતાવરણ ગમગીન બન્યું હતું
મૃતક પ્રકાશને બે સંતાનો હતા. જેનો પુત્ર ધોરણ 6માં અને પુત્રી ધોરણ 5માં અભ્યાસ કરે છે. આ માસુમ બાળકોને હજુ એ પણ ખબર નથી કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જ્યારે માહોલ વધારે ન બગડે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.