- કુલપતિએ પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું
- કુલપતિ દ્વારા અન્ય કોઈ વ્યક્તિઓના નામો જાહેર ન કરાતા કન્વીનર તરીકે સમગ્ર કૌભાંડમાં દોષિત તેમને ઠેરવી ચાર્જશીટ તૈયાર કરાઈ હતી
- ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર કૌભાંડની યોગ્ય અને સચોટ તપાસ થાય તે માટે સી .આઈ. ડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી
પાટણ યુનિવર્સિટીના MBBSના પ્રથમ વર્ષની પરીક્ષામાં થયેલા ગુણ સુધારણા કૌભાંડની તપાસ CIDને સોંપવામાં આવી છે. યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં MBBSના પ્રથમ વર્ષની પરીક્ષામાં થયેલા ગુણ સુધારણા કોભાંડમાં દોષિત લોકો સામે ચાર્જશીટ બનાવીને તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને યુનિના લીગલ એડવાઈઝર જે.કે.દરજી દ્વારા કૌભાંડ મામલે કુલપતિ દ્વારા અન્ય કોઈ વ્યક્તિઓના નામો જાહેર કરવામાં આવ્યા ન હોય કન્વીનર તરીકે સમગ્ર કૌભાંડમાં દોષિત તેમને ઠેરવી ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી.
આ ચાર્જશીટ રજિસ્ટ્રાર દ્વારા કુલપતિને આપવામાં આવી હતી. તેનો ખુલાસો કુલપતિએ બંધ કવરમાં રજીસ્ટારને આપ્યો છે. તે આગામી કારોબારીની બેઠકમાં ખોલવામાં આવશે. ત્યારે બીજી તરફ હવે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ સમગ્ર કૌભાંડની યોગ્ય અને સચોટ તપાસ થાય તે માટે સી .આઈ. ડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવતા હવે આ સમગ્ર કૌભાંડમાં જે પણ લોકોની સંડોવણી હશે તેમની સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમબીબીએસ કૌભાંડ મામલે કુલપતિ ડો જે જે વોરા એ જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે હું નિર્દોષ શુ. જો મે આમાં કઈ ખોટું કર્યું હોય તો હું શા માટે આ સમગ્ર મામલાની તપાસ કરાવું? મે જ આ આ કૌભાંડની તપાસ કરાવી છે. તેમજ સી આઇ ડી તપાસ અંગે તેમને હજુ સુધી કોઈ લેખિત પત્ર મળ્યો નથી પરંતુ મૌખિક જાણવા મળ્યું છે. તેમજ સી આઇ ડીને તપાસ સોંપાઈ હોય તો તે સારી બાબત છે. આમ પોતે આ સમગ્ર પ્રકરણમાં નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું.