ગાંધીનગર શહેરનાં ખ-0 પાસેનાં હડમતિયા તળાવ સહિતના 5થી 6 સ્થળ કાટમાળ ઠાલવવાની જગ્યા બની ગયાં છે. કલેક્ટર કચેરી-કોર્ટની પાછળ આવેલી વનરાજી, સેક્ટર-7ની આંબાવાડી, સેક્ટર-6નું મેદાન, સે-16 પાટનગર યોજના વિભાગની પાછળના રોડ પર કાટમાળ ઠલવાઈ રહ્યો છે. સરકારી કે ખાનગી કોન્ટ્રાક્ટર્સ કે મકાનમાલિકો દ્વારા કામગીરી સમયે નીકળતો કાટમાળ આ પ્રકારે જાહેરમાં જ ફેંકી દે છે.કાટમાળનો યોગ્ય રીતે દૂરના વિસ્તારમાં નિકાલ કરવાની તસ્દી ન લેવાતાં શહેરમાં હાલ આ સ્થિતિ ઊભી થઈ છે. એવું નથી કે કોન્ટ્રાક્ટર્સ કે સરકારી અધિકારીઓને તેનું ભાન નથી. કોન્ટ્રાક્ટર્સ ખર્ચો બચાવવા માટે કરાતી આ વૃત્તિની કામગીરીની દેખરેખ રાખતા અધિકારીઓને પણ સારી રીતે જાણ હોય છે. જોકે ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્રના ખોટી રીતે પાલન કરતાં અધિકારીઓ પણ આ મામલે ચૂપ રહે છે.
સ્વચ્છતા સર્વેક્ષણ માટે કોર્પોરેશને પ્રજાના ટેક્સના પૈસામાંથી ખર્ચો કરવો પડશે!
સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગર શહેરનો નંબર આવે તો માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરાતા હોય છે. જેમાં કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારમાં લોકોના ઘર પડેલા કાટમાળને હટાવી લેવા સુચનાથી લઈને નોટિસ આપવામાં આવે છે. ત્યારે જાહેરમાં આ પ્રકારે ફેંકી દેવાયેલા કાટમાળ માટે તંત્ર કોઈને સુચના કે નોટિસ આપી શકે તેમ નથી. જેને પગલે કોર્પોરેશન પ્રજાના ટેક્સના પૈસામાંથી જ ગાડીઓમાં દોડાવીને કાટમાળ ભરવો પડશે તે નક્કી છે.
Source – divya bhaskar