- બેઠકમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી
- સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ : સાંસદ
પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’ ’ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
સાંસદ પરબતભાઇ પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે, માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી તેમના જીવનમાં પરિવર્તન લાવીએ. કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સર્વાગી વિકાસ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત નાણાં ફાળવવામાં આવે છે. તેનો લાભ વંચિત અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરીએ. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં પણ આપણી સરકારે વિકાસકામો અટકવા દીધા નથી અને તંત્રએ કોરોના કાળમાં પણ ખુબ કામ કર્યુ છે જે અભિનંદનને પાત્ર છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજનાઓ સહિતની યોજનાઓનો પ્રચાર- પ્રસાર કરી વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપવા તેમણે અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતાં લોકોને સરળતાથી સુખ- સુવિધા પ્રાપ્તં થાય તેવા વિકાસ કામોને પ્રાધાન્ય આપી તે કામો ઝડપથી પૂર્ણ કરીએ. તેમણે કહ્યું કે, લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ સહિત તમામ સુવિધાઓ આપવા તે વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી ગામના વિકાસ કામોને પ્રાધાન્ય આપીએ.
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું કે, ફાળવેલા લક્ષ્યાંક પ્રમાણે વિકાસકામો સમય મર્યાદામાં પૂર્ણ કરી જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવીએ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે વિકાસકીય વિગતો રજૂ કરી હતી.
નોંધનીય છે બેઠકમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લો્યમેન્ટ ગેરન્ટી સ્કીમ (મનરેગા), દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન), બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કૌશલ વિકાસ યોજના, ડીજીટલ ઇન્ડીયા, સુગમ્ય ભારત સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.