- બાદમાંજાગેલી નગરપાલિકાએ બીજી 4 દુકાનોનાં જોખમી સ્લેબ દૂર કર્યા
મહેસાણા શહેરની મધ્યમાં બસ સ્ટેશન રોડ પર આવેલા નગરપાલિકાના 45 વર્ષ જૂના મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરમાં મંગળવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પરની 3 દુકાનોનો છજાનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી હતી. સદ્દનસીબે આ સમયે કોઇ આવન જાવન ન હોઇ જાનહાનિ ટળી હતી. દરમિયાન, દોડી આવેલી પાલિકાની ટીમે ત્રણ દુકાનની આસપાસની બીજી ચાર દુકાનોના છજાનો જોખમી ભાગ તોડી પાડ્યો હતો. ઉલ્લેખનિય છે કે, હજુ ત્રીજા માળે છજાનો જોખમી ભાગ લટકી રહ્યો છે.225 દુકાન સાથે ત્રણ માળનું મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર જર્જરિત બની ગયું છે. અહીંથી સતત વાહનો અને રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. વેપારી દિનેશભાઇ પટેલે કહ્યું કે, અહીં કોઇ પ્રસંગ કે સરઘસમાં ડીજે વાગે તો પણ છજાનો ભાગ ધ્રૂજારી કરતો હોય છે. પાછળ પાર્કિંગની જગ્યાએ નવું શોપિંગ બનાવવું જોઇએ તેવી માંગ કરી હતી.
વારંવાર રજૂઆતો છતાં મરામત કરાતી નથી
બિલ્ડિંગમાં આરસીસી સ્લેબ જર્જરિત થઇ ગયા છે. શૌચાલય બિસ્માર છે, મહિલા શૌચાલય નથી. લીફ્ટ માટે જગ્યા છે પણ લીફ્ટ નથી. પાલિકાને વર્ષે આ શોપિંગથી રૂ.8 થી 10 લાખ ભાડુ મળે છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં મરામત કરાતી નથી. અહીં હજારો લોકોની અવર જવર રહેતી હોઇ દુર્ઘટના બની શકે છે.- વિપુલભાઇ રાવલ, પ્રમુખ મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર એસોસીએશન
Source – divya bhaskar