પેપર ગામે શિવરાત્રી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
પેપર ગામે વામેશ્વર મહાદેવનું પૌરાણિક શિવ મંદિર આવેલ હોઈ દર મહાશિવરાત્રીએ બે દિવસનો મેળો ભરાતો હોવાથી હજારોની સંખ્યામાં આજુબાજુના ગામડાઓના લોકો દર્શનાર્થે આવે છે. મહા વદ તેરસ અને ચૌદસના બે દિવસ મેળો રહેતો હોવાથી મેળાની અંદર લોકો વામેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, જોકે સમગ્ર ગામ લોકો દ્વારા આ મેળાની અંદર ચા- પાણી અને રાત્રી જાગરણની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે પણ આ વખતે ગામના આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખે ગામના વામેશ્વર યુવક મંડળને સાથે રાખીને એક નવો અભિગમ અપનાવ્યો હતો, જેમાં મેળાની સાથે- સાથે વ્હાઇટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક ધાનેરાના મદદથી ૫૧ બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વામેશ્વર યુવક મંડળના તમામ સભ્યો, ગામના સરપંચ પુનમાભાઈ, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલ, વળાદર સરપંચ જોવારસિંહ, પૂજારી નરશીભાઈ એચ. દવે તથા તમામ સાથી મિત્રો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ