નાનપુરા જમરૂખ ગલીમાં ટપોરી સજ્જુ ઉર્ફે મોહંમદ સાજીદ ગુલામમોહંમદ કોઠારી બંગલાનાં ગુપ્ત રૂમમાં સંતાયો હતો તે જ રૂમની નીચે ઓફિસમાં માથાભારે વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોને બોલાવી માર મારતો હતો. પોલીસે તેને ગુપ્ત રૂમમાં જ કાયદો શું છે તેનું ભાન કરાવી દીધું હતું. માથાભારે સાજીદ કોઠારી ઉંચા વ્યાજ દરે કરોડો રૂપિયા વ્યાજ પર ફેરવતો હતો. વ્યાજે લીધેલા નાણાં આપતા ન હોય તેવા લોકોને તેના પન્ટરો ‘ભાઈ’ ઓફિસ પૈ બુલા રહા હૈ, એમ કહી બોલાવીને તેની પાસેથી તાત્કાલિક રૂપિયા મંગાવવા દબાણ કરતા હતા અને રૂપિયા આપવામાં કોઈ આનાકાની કરે તો તેને ઓફિસમાં સાજીદ કોઠારી બેઝ બોલ અને બેટથી માર મારતો હતો. ઘણીવાર તો રૂપિયા ન આપે તો આખો દિવસ તેને ઓફિસમાં ગોંધી રાખતો હતો. ઘણા નિર્દોષ લોકો પર માથાભારે સાજીદ કોઠારીએ અત્યાચાર ગુજાર્યો છે. પોલીસ માથાભારે સજ્જુ ઉર્ફે સાજીદ કોઠારીના મુંબઈ કનેક્શનની તપાસ કરશે, કેમ કે સાજીદ મહિનામાં ૧૫-૨૦ દિવસ મુંબઈ રહેતો હતો. તેની પાસે ૫થી ૭ ફોન નંબર છે. આ નંબરો કોના નામે છે અને કેવી રીતે મેળવ્યા તેની પોલીસ તપાસ કરે તો ઘણી માહિતી મળી શકે છે. તમામ નંબરોની કોલ ડિટેઇલ્સની તપાસ કરવામાં આવે તો મુંબઈમાં કોના કોના સંપર્ક હતો તેની વિગતો મળી શકે છે.
મુંબઈમાં સજ્જુએ મીરા રોડ પર સવા કરોડનો ફલેટ ખરીદ્યો હતો અને તેમાં મોટેભાગે રહેતો હતો. તેની પાસે બીએમડબલ્યુ સહિતની ૧૦થી ૧૨ લકઝરીયસ કાર છે. આગામી દિવસોમાં પોલીસ આ કાર કબજે કરશે. ક્રાઇમ બ્રાંચે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ કબજે કર્યુ છે. જમરૂખગલીની ચાલીમાં રહેતો માથાભારે સાજીદની ગુનાખોરીની શરૂઆત ૧૯૯૬ થઈ હતી. શરૂઆતમાં લોકલ ગેંગમાં ૪-૫ વર્ષ કામ કરી ૨૦૦૩માં ભાઈઓ સાથે ગેંગ બનાવી હતી. જમરૂખગલીમાં ગેરેજની મિલકત બાબતે એકનું અપહરણ કર્યુ હતું. બાદમાં પાસામાં ધકેલાયો હતો. જેલમાં તેની મુલાકાત વેરાવળના એક માથાભારે સાથે થઈ અને તેના હસ્તક લાખોની કમાણી કરી હતી.
જુગાર રમવાની ટેવમાં સાજીદે પોતે જ જુગારની ક્લબ નાનપુરામાં શરૂ કરી હતી, વ્યાજમાં કોઈ રૂપિયા ન આપે તો મિલકત કે જમીન લખાવી કરોડો રૂપિયાનું જમીનમાં રોકાણ કર્યુ, જેમાં ખેડૂતોને થોડા રૂપિયા આપી ઓફિસે બોલાવી હથિયારોથી ડરાવી જમીન લખાવી લેતો હતો. ચાલીમાં રહેતા લોકોને ધમકાવી થોડા રૂપિયા આપી જબરજસ્તી લખાણ કરી ખાલી કરાવી ત્યાં બિલ્ડિંગો બાંધી દીધી છે.