બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેનપદેથી શુક્રવારે અણદાભાઈ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં સહકારીક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અણદાભાઈએ શુક્રવારે ભાજપ પક્ષના આદેશ અનુસાર જિલ્લા રજિસ્ટારને પોતાનું રાજીનામું આપી દેતા હડકમ્પ મચી ગયો છે. અણદાભાઈ પાસે અગાઉ બનાસ બેન્કની સાથે થરા માર્કેટ યાર્ડના ચેરમેનનો પણ હોદ્દો હતો. જોકે, પક્ષના આદેશથી થોડા સમય અગાઉ થરા યાર્ડના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે બનાસ બેન્કના ચેરમેનપદેથી પણ રાજીનામું માગી લેવાતાં ખળભળાટ મચી ગયો છે.
બનાસ બેન્કમાં ચેરમેનપદે અણદાભાઈ પટેલ આરૂઢ થયા બાદ તેમણે બનાસ બેન્કમાં અનેક કડક નિર્ણયો લઈને બનાસ બેન્કના જનરલ મેનેજર અશોક ચૌધરીને બરતરફ કરતાં બનાસ બેન્કમાં વિવાદ વધ્યો હતો. તે બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી પક્ષ દ્વારા થોડા દિવસ પહેલા અણદાભાઈ પટેલને બે હોદ્દામાંથી એક હોદ્દા પરથી રાજીનામું આપવાની વાત કરાઈ હતી. જોકે તે પછી અણદાભાઈએ થરા માર્કેટયાર્ડના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું હતું અને બનાસ બેન્કના ચેરમેન પદે યથાવત રહ્યા હતા. જેને લઈને બનાસ બેન્કનો વિવાદ થોડા દિવસો પૂરતો સમી ગયો હતો. દરમિયાન શુક્રવારે અચાનક અણદાભાઈ પટેલે પોતાનું રાજીનામું જિલ્લા રજિસ્ટારને સોંપી દેતાં સહકારી આલમમાં ભૂકંપ સર્જાયો છે. રાજીનામું આપ્યા બાદ અણદાભાઈએ જણાવ્યુ હતું કે હું પક્ષનો કાર્યકર્તા છું અને પક્ષે મને રાજીનામું આપવાનું કહેતા મેં પક્ષના આદેશને સર્વોમાન્ય ગણીને મારું રાજીનામું રજિસ્ટારને આપ્યું છે.
આ અંગે જિલ્લા રજિસ્ટાર આર.પી.ખરાડીએ જણાવ્યું હતું કે બનાસ બેન્કના ચેરમેન અણદાભાઇ પટેલે બેન્કના ચેરમેન પદ પરથી રાજીનામું આપતા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ છે.
source – nav gujarat samay