ફાઈલ તસ્વીર
- ભરતનગર પોલીસે મુખ્ય આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર
ભાવનગર શહેરમાં છેતરપિંડી નો અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક તબીબે પોતાની હોસ્પિટલ અન્ય તબીબને સંચાલન માટે આપતાં હોસ્પિટલ સંચાલન કરતાં તબીબે આવકના અને દસ્તાવેજના રૂપિયા 86 લાખ આપવાનાં બદલે હાથ ઉંચા કરી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે અને આ મુદ્દે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે મુખ્ય આરોપીને ઉઠાવી તપાસ નો ધમધમાટ આદર્યો છે.
સમગ્ર બનાવ અંગે ભરતનગર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં ગાયત્રીનગર ખાતે મહાદેવ હોસ્પિટલ નામે ખાનગી હોસ્પિટલ ધરાવતા અને વ્યવસાયે ડોક્ટર યશ વિજયભાઈ દવે રે.બીએમસી સોસાયટી પ્લોટ નં-13 એ તેના મિત્ર અને ડોક્ટર એવાં પ્રકાશ નરેશભાઈ કંટારીયા તથા સતિષ નરેશભાઈ કંટારીયા રે.સમ્રાટ અશોક ફલેટ રૂમનં-101/1 ને ગાયત્રીનગર સ્થિત પોતાની માલિકી ની મહાદેવ હોસ્પિટલ સંચાલન માટે ગત તા.7-4-2021 થી આજ દિન સુધી રોજ આપી હતી. ત્યારબાદ આ હોસ્પિટલ સારી રીતે ચાલતી હોય આથી માલિક યશ દવેએ હોસ્પિટલ સંચાલન થકી થતી આવક માંગતા આરોપી પ્રકાશ તથા સતિષ એ ગલ્લા- તલ્લા શરૂ કર્યાં હતાં અને વારંવાર બહાનાં બતાવ્યા હતાં. જેમાં ડોક્ટર યશ દવેએ કડક ઉઘરાણી શરૂ કરતાં અસ્સલ સ્વરૂપમાં આવેલ ડો.પ્રકાશ તથા સતિષએ નાણાં આપવાનો ઈન્કાર કરી ડો.યશને ધમકાવ્યો હતો. આથી ડો. યશ દવેએ તબીબ બંધુ પ્રકાશ નરેશ કંટારીયા તથા તેના ભાઈ સતિષ વિરુદ્ધ રૂપિયા 86 લાખની છેતરપિંડી આચરી નાણાં ઓળવી ગયાની ફરિયાદ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસે આઈપીસી કલમ 406,420,506/2 તથા જીપી એક્ટ 114 મુજબ ગત તા.9-2-2022 ના રોજ ફરિયાદ દાખલ કરી હતી અને મુખ્ય આરોપી પ્રકાશ કંટારીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા, આ પ્રકરણને લઈને ભાવનગર તબીબ આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે સાથે લોકો માં એવી પણ ચર્ચા થઈ રહી છે કે આરોપી પ્રકાશ કોરોનાની બીજી લહેર દરમ્યાન ઉભી થયેલી રેમડેસિવીર ઈન્જેક્શન ના વહીવટ માં પણ ઝડપાયો હતો ત્યારે હાલ આ મુદ્દો ખાસ્સો ચર્ચા નો વિષય બન્યો છે.