દસ દિવસમાં રોડ કામ ઓનલાઇન : નેતા અને તંત્ર સાથે કોન્ટ્રાક્ટરોની સાંઠગાઠની છાપ ભૂસો
રોડ કામમાં નબળી ગુણવત્તા અને સમયમર્યાદામાં કોઈ બાંધછોડ નહીં થાય, મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રોડની લેફ્ટરાઈટ
ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં શહેરમાં 100 કરોડના રોડના કામો થવા જઈ રહ્યા છે તે પૂર્વે રોડના કામમાં નબળી ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠની પડી ગયેલી છાપ ભૂસવા માટે આજે રોડ વિભાગના તમામ અધિકારી કર્મચારીઓની સ્ટેન્ડીંગમાં બેઠક યોજી ગુણવત્તા અને સમય મર્યાદામાં કોઈ બાંધછોડ નહીં કરવા સ્પષ્ટપણે તાકીદ કરી હતી.
ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા રૂ.100 કરોડના રોડના કામનું આયોજન કરાયું છે જેની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે પરંતુ રોડના કામમાં ભ્રષ્ટાચાર અને નેતાઓ તેમજ અધિકારીઓની કોન્ટ્રાકટરો સાથે સાંઠગાંઠની છાપ ભૂસવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રોડ વિભાગને સંલગ્ન એન્જીનીયરો, ટેકનીકલ આસિસ્ટન્ટનો અને સિટી એન્જિનિયર સહિતના અધિકારી કર્મચારીઓની બેઠક યોજી હતી.
રોડના કામમાં ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને સુપરવિઝનના અભાવે ક્ષતિ રહી જતી હોય છે. જેને કારણે પ્રજાના પૈસા તો વેડફાય છે પરંતુ પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. જેથી આગામી દિવસોમાં જ્યારે સો કરોડના રોડના કામ થવા જઈ રહ્યા છે તે પૂર્વે સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ અધિકારીઓને રોડની ગુણવત્તા અને સમય મર્યાદામાં બાંધછોડ નહીં કરવા સૂચના આપી હતી. ખાસ કરીને રોડમાં લેવલ નહીં જળવાતા અને રોડ વચ્ચેના મેનહોલ લેવલમાં નહીં હોવાથી રોડમાં ભાંગતૂટ થવાના પણ બનાવો બને છે.
આરસીસી રોડમાં લેવલના અભાવે પડતા ખાડાઓમાં પાણી ભરાવાના કારણે પણ રોડ તૂટતા હોય છે. જેથી રોડ વિભાગના એન્જિનિયરો અને સ્ટાફને ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ નહીં કરવા જણાવવામાં આવ્યું હતું.સો કરોડના રોડના કામ પૈકી 17 કામના ઓનલાઈન ટેન્ડર મુકાઈ ગયા છે. 42 કામની ટેન્ડર મૂકવા માટેની પ્રક્રિયા પૂર્ણતાના આરે છે. જેથી આગામી આઠ દસ દિવસમાં તમામ ટેન્ડર ઓનલાઇન મુકાઈ જશે.