દેશના મોટા 5 રાજ્યોમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ થતાં ભયજનક પરિસ્થિતી સર્જાઈ.
રાજસ્થાનમાં 200થી વધુ અને મધ્યપ્રદેશમાં લગભગ 50 ડેમ ઓવરફ્લો અને યુપી-હિમાચલમાં રેડ એલર્ટ
અચાનક પૂર અને લેન્ડ સ્લાઇડની 36 ઘટનાઓમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે
♦ ચાલો જાણીએ 5 રાજયોની શું પરિસ્થિતી છે.
મધ્યપ્રદેશ :
- 60 ઈંચ વરસાદ
છેલ્લા 48 કલાકથી વધુ સમયથી વરસાદને કારણે ઘણા નેશનલ હાઈવે બ્લોક છે. 50 થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. જબલપુરમાં બર્ગી ડેમના 17 નર્મદાપુરમમાં તવા ડેમના 13 દરવાજા ખોલવામાં આવ્યા છે. વરસાદની વાત કરીએ તો ગુનામાં સૌથી વધુ 7 ઈંચ, સાગરમાં 6.5 ઈંચ,જબલપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો. ભોપાલમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. અહીં અત્યાર સુધીમાં 60 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. 2016 માં અહીં 56.58 ઇંચ વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડ છે. આ રેકોર્ડ સોમવારે તૂટી શકે છે. વરસાદના કારણે ભોપાલના મોટા બળાવની બોટ ક્લબ પર ઉભેલુ ક્રુઝ અડધુ ડૂબી ગયું છે.
ઉત્તર પ્રદેશ:
- ગંગા ભયજનક નિશાનની નજીક, યમુનાનું જળસ્તરમાં ખૂબ જ વધારો
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદને કારણે પ્રયાગરાજમાં 50 હજાર વિદ્યાર્થીઓએ લોજ છોડી ગંગા કિનારે આવેલા સેંકડો ઘરોમાં પાણી ફરી વળ્યા છે. 10 હજારથી વધુ પરિવારો તેનાથી અસરગ્રસ્ત થયા છે.વારાણસી ઘાટ અને અનેક મંદિરો ડૂબી ગયા છે. ગંગા ભયજનક નિશાનની નજીક છે અને યમુનાનું જળસ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.
રાજસ્થાનઃ
- 20.35 ઈંચ વરસાદ
છેલ્લા 48 કલાકમાં પડેલા વરસાદને કારણે સિઝનનો 20.35 ઈંચ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે નાના-મોટા 716 ડેમમાંથી 200 થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. રાજધાની જયપુરની વાત કરીએ તો સિઝનના વરસાદનો ક્વોટા પૂર્ણ થઈ ગયો છે.સોમવારે ઝાલાવાડ, પ્રતાપગઢ અને બારાંમાં વરસાદનું રેડ એલર્ટ છે. કોટા, બુંદી, ટોંક, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, બાંસવાડા, ડુંગરપુર, ઉદયપુર, પાલીમાં ઓરેન્જ એલર્ટ છે. અહીં 8 ઈંચથી વધુ વરસાદ પડશે.
બિહાર:
- વરસાદને કારણે નદીઓમાં પૂર
બિહારના ઘણા જિલ્લાઓમાં પહાડી વિસ્તારોમાં વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું છે. નદી કિનારે આવેલા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઘણા જિલ્લાઓમાં ગંગા ભયજનક નિશાનની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં પટના સહિત અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે વાતાવરણમાં રાહત થઈ છે. પટનામાં સોમવારે પણ વરસાદ ચાલુ છે.
હિમાચલ:
- વરસાદને કારણે છેલ્લા 48 કલાકમાં 34 ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ બની
જેમાં 22 લોકોના મોત થયા હતા. 6 લોકો હજુ પણ ગુમ છે. મંડીમાં 14, ચંબામાં 3 અને કાંગડા અને શિમલા જિલ્લામાં 2-2 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાં એક 9 વર્ષની બાળકી પણ છે. હિમાચલમાં ઘણી જગ્યાએ રસ્તાઓ તુટી ગયા છે. 400 થી વધુ પ્રોજેક્ટો અટકી ગયા છે.